બાપોદ પોલીસની હદમાં ડીસીબીનો દરોડો : નામચીન આરોપીનો દારૃ પકડાયો
મુકેશ ધોબી સામે અગાઉ ૨૫ ગુનાઓ નોંધાયા છે : ત્રણ વખત પાસામાં જઇ આવ્યો છે
વડોદરા,બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૃ વેચતા આરોપીનો દારૃ ડીસીબી પોલીસે કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિદેશી દારૃના કેસમાં બાપોદ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હતી. હાલમાં ડીસીબીએ કરેલા કેસની તપાસમાં જે આરોપીનું નામ ખૂલ્યું છે. તેનો ભૂતકાળ પણ ખરડાયેલો છે.
ડીસીબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, જગદીશ ઉર્ફે જગી રમેશભાઇ વસાવા (રહે. સફેદ વુડાના મકાનમાં, ખોડિયાર નગર) આરોપી મુકેશ પૂનમભાઇ ધોબી (રહે. પુનિત નગર સોસાયટી, વાઘોડિયા રોડ) પાસેથી દારૃ લાવીને સફેદ વુડાના મકાનમાં ખાલી કરાવી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરે છે. જેથી, પોલીસે રાતે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને રાતે એક વાગ્યે રેડ પાડતા એક વ્યક્તિ પોલીસને જોઇને દારૃની બોટલો ભરેલી થેલી મૂકીને ભાગી ગયો હતો. પોલીસને દારૃની ૧૩ બોટલ કિંમત રૃપિયા ૧,૪૯૫ ની મળી આવી હતી. પોલીસે જગદીશ ઉર્ફે જગ્ગી તથા મુકેશ ધોબીને વોન્ટેડ જાહેર કર્યા છે. મુકેશ ધોબી સામે વડોદરા ગ્રામ્ય, પંચમહાલ અને વડોદરા શહેરમાં કુલ ૨૫ ગુનાઓ નોંધાયા છે. તેને ત્રણ વખત પાસા પણ થઇ છે. આ કેસની તપાસ બાપોદ પોલીસને જ સોંપવામાં આવી છે.
અગાઉ ૫.૨૨ લાખના દારૃ સાથે પીકઅપ વાન બાપોદ પોલીસે ઝડપી પાડી હતી. જેમાં પીકઅપ વાનમાં મૂકેલો અન્ય સામાન મુદ્દામાલ તરીકે કબજે લીધો નહતો. તેમજ પીકઅપ વાનમાં બેસેલા અન્ય શખ્સને છોડી દીધો હતો. જેમાં પોલીસે જણાવ્યું હતું કે, આ શખ્સ લિફ્ટ લઇને અડધા રસ્તેથી બેઠો હતો. જેથી, તેની આ ગુનામાં કોઇ સંડોવણી નથી. વધુમાં, આ કેસની તપાસમાં પોલીસે વાહન માલિક સામે પણ કોઇ કાર્યવાહી કરી નથી. તેમજ પોલીસના વચેટિયા તરીકે કામ કરતા ચૌધરી નામના આજવા ચોકડીના શખ્સની ભૂમિકા પણ ચર્ચામાં છે. તેના મોબાઇલ ફોનની ડિટેલ કઢાવવામાં આવે તો વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.તે ઉપરાંત પકડાયેલા ડ્રાઇવરની કોલ ડિટેલના આધારે તપાસ કરવામાં આવે તો અન્ય સપ્લાયરોના નામ ખૂલે તેમ છે.