સમા વિસ્તારમાં બેન્કના કામે ગયેલા નિવૃત્ત અધિકારીના મકાનમાં ધોળે દિવસે ચોરી
વડોદરાઃ સમા વિસ્તારના એક મકાનમાં ધોળે દિવસે ત્રાટકેલા ચોરો દાગીનાની સાથે બેગ ચોરી જતાં સિનિયર સિટિઝન દંપતીના પાસપોર્ટ અને વિઝા પણ ચોરાઇ ગયા હતા.
અભિનવ પાર્કમાં રહેતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પૂર્વ મેમ્બર સેક્રેટરી ભરતસિંહ સલુણિયાએ પોલીસને કહ્યું છે કે, તા.૩૧મીએ સવારે ૧૧ વાગે હું મારી પત્ની સાથે માંડવી બેન્કના કામે ગયો હતો.૧ વાગે પરત ફર્યા ત્યારે તાળાં તૂટેલા હતા અને ઘરનો સામાન વેરવિખેર હતો.
તપાસ કરતાં ચોરો એક બેગ ચોરી ગયા હતા.જેમાં અમારા પાસપોર્ટ અને વિઝિટર વિઝા હતા.આ ઉપરાંત તેઓ સાડા આઠ તોલાના દાગીના પણ ચોરી ગયા હતા.જેથી સમા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.