માનેલી દીકરી કોમલ બરાબર નથી, તેને ઓફિસમાંથી રિમૂવ કરવાની છે
પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા, મદદગારી, ગાળો બોલી માર મારવો તથા ખંડણીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો
વડોદરા,પી.વી. મૂરજાણીના પત્નીએ આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ આજે રાતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોેધાવી હતી. જેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, લાભ પાંચમના આગલા દિવસે જ મૂરજાણીએ પત્નીને કોમલ સારી નહીં હોવાથી તેને ઓફિસમાંથી રિમૂવ કરી દેવાની તથા પેટ્રોલપંપવાળી જગ્યા વેચીને ગીરવે મૂકેલું મકાન છોડાવવાની વાત કરી હતી.
સંગમ ચાર રસ્તા પાસે જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા પુરૃષોત્તમ મૂરજાણીએ શુક્રવારની રાતે લાયસન્સ વાળી રિવોલ્વર વડે ફાયરિંગ કરી આપઘાત કર્યો હતો. પતિના મોતના આઘાતના કારણે તેમના પત્નીની પણ તબિયત લથડી હતી. અંતિમ વિધિ પૂરી થયા પછી આજે તેમના પત્ની થોડા સ્વસ્થ થતા તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કોમલ અને તેની માતા સંગીતા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખંડણી, આપઘાતની દુષ્પ્રેરણા, મદદગારી, ગાળો બોલીને મારામારી કરવી જેવી કલમ હેઠળ ગુનો દાખલ કરી માતા - દીકરીને એરેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૂરજાણીના પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિએ ગત ૫ મી નવેમ્બરે મને કહ્યું હતું કે, માનેલી દીકરી કોમલ સારી નથી.એટલે તેને ઓફિસમાંથી રિમૂવ કરી દેવાની છે. મેેગેઝિનમાં પણ સહ તંત્રી તરીકેનું તેનું નામ કાઢી નાંખવાનું છે. આ ઉપરાંત પેટ્રોલપંપવાળી જગ્યા વેચી દઇ તેના રૃપિયામાંથી આપણું ગીરવે મૂકેલું ઘર છોડાવી દઇશું. મારા પતિ તે સમયે ખૂબ જ ટેન્શનમાં હોય તેવું લાગતું હતું. આ અગાઉ પણ કોમલ ઘરે આવતી હતી.ત્યારે એક વખત મારી સાથે પણ તેને બોલવાનું થતા મેં મારા પતિને કહ્યુ ંહતું કે, કોમલને કરી દેજો કે, આપણા ઘરે ના આવે. પાણીગેટ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી માતા - દીકરી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજી કોમલ અને તેની માતા સંગીતાની પૂછપરછ બાકી છે. તેઓની પૂછપરછ દરમિયાન વધુ વિગતો પ્રકાશમાં આવવાની શક્યતા છે.