માનેલી દીકરી કોમલ રાતે ૧૨ વાગ્યે વડોદરા આવ્યા પછી ગાયબ ઃ ઘરે તાળા
કોમલ અને તેની માતાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ
વડોદરા, કન્ઝયુમર એક્ટિવિસ્ટ પી. વી. મૂરજાણીના આપઘાતના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. આપઘાતની પાછળ તેમની માનેલી દીકરી અને દીકરીની માતાની સંડોવણી હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ માતા-પુત્રી ઘર બંધ કરીને રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરામાં વર્ષોથી જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા કન્ઝયુમર એક્ટિવિસ્ટ પુરૃષોત્તમ મૂરજાણીએ ગઈકાલે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાતે લમણા પર ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું. તેમના મોબાઇલ પરથી રાત્રે તેમના મિત્ર વર્તુળો અને સંબંધીઓના વોટ્સએપ પર તેમની સ્યૂસાઇડ નોટ ફોરવર્ડ થઈ હતી. જેમાં તેમની માનેલી દીકરી કોમલ તથા કોમલની માતા સંગીતાબેન દ્વારા તેમને સતત ટોર્ચર કરીને બ્લેકમેલ કરવામાં આવતા હતા અને તેમની વિરૃધ્ધ એટલે કે પુરૃષોત્તમ મૂરઝાણી વિરૃધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી. આપઘાતની પાછળ એા મા-દીકરી જ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્યૂસાઇડ નોટના પગલે પોલીસની ટીમ માતા દીકરીને શોધવા માટે તેમના વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટ પર રાતે ગઈ હતી. પરંતુ ફ્લેટ બંધ હતો. હજી સુધી આ કેૈસમાં કોઇ ગુનો દાખલ થયો નથી. કોમલ અને તેની માતાને શોધવા માટે પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદ લીધી હતી. કોમલ ગઇકાલે બપોરે અમદાવાદ ગઇ હતી. અમદાવાદનુ ંકામ પતાવીને તે મોડીરાતે વડોદરા પરત આવી હતી. કોમલને આ ઘટનાની જાણ થતા તેણે ઘરે જવાનું ટાળ્યું હતું. કોમલ અને તેની માતાને શોધવા માટે પોલીસ સોલેસ હોસ્પિટલ રોડ પર આવેલા તેમના કાન્હા લક્ઝુરિયા ફ્લેટમાં રાતે જ પહોંચી ગઇ હતી. પરંતુ, ઘરે તાળા હતા. કોમલ અને તેની માતા ઘરે મળી આવ્યા નહતા.
ફ્લેટ નજીકના પાર્કિંગમાં જ નવી નક્કોર મર્સિડિઝ કાર પાર્ક છે
વડોદરા,કાન્હા લક્ઝુરીયામાં ચોથા માળે કોમલ અને તેની માતા સંગીતાબેન રહેતા હતા. પોલીસ તેમના ફ્લેટ પર પહોંચી ત્યારે ઘર બંધ હતું. મકાન પર સંગીતા, કોમલ એવું બોર્ડ લગાવ્યું હતું. ફ્લેટમાં રહેતા લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. તેઓનું કહેવું હતું કે, અમારે તેઓની સાથે કોઇ ખાસ સંબંધ નહતો. માત્ર હાય, હેલ્લોનો જ સંબંધ હતો.
ફ્લેટની નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં સફેદ કલરની રૃ. ૧ કરોડની કીંમતની નવી નક્કોર મર્સિડિઝ લક્ઝુરિયસ કાર પાર્ક થયેલી છે. જે કાર પર પૂજા સમયે ચઢાવેલો ફૂલનો હાર હજી એવી જ હાલતમાં છે. આ કાર લાભ પાંચમના દિવસે પી.વી. મૂરજાણીએ ખરીદેલી તે જ હોવાની શક્યતા છે. મૂરજાણીનો પરિવાર હજી શોકમાં હોઇ પોલીસે તે દિશામાં તપાસ કરી નથી.