અન્ય મહિલા સાથે આડા સંબંધના પગલે પતિ-પત્ની વચ્ચે ખટરાગનો ભોગ દીકરી બની
- દીકરીએ માતાની તરફેણ કરી તો પિતાએ માર માર્યો અને આગળ નહીં ભણાવવાની ધમકી આપી: આખરે અભયમ મદદે આવી
વડોદરા,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
એક વીસ વર્ષની દીકરીએ 181ની મદદ માગતાં જણાવ્યું હતું કે, પિતાને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી માતા-પિતા વચ્ચે ઝઘડો થવાથી દીકરી માતાનો પક્ષ લેતા પિતા દીકરી સાથે મારપીટ કરે છે અને આગળ ભણાવશે નહિ તેવી ધમકી આપે છે.
ત્યાર બાદ 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી પીડિત દીકરી અને માતાનું અસરકારક કાઉન્સિલિંગ કરતા જાણવા મળે છે કે, છેલ્લા એકાદ વર્ષથી પિતાના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી અવારનવાર માતાપિતા વચ્ચે ઝઘડાં થાય છે. પિતા અન્ય મહિલા સાથે ઇન્સ્ટા અને ટેક્સ્ટ મેસેજ પર વાત કરે છે. તે ઘણી વખત દીકરી અને માતાએ જોયેલ છે. પરંતુ પોતાની ભૂલ માનતા નથી અને આઠ મહિનાથી કોઈ કોન્ટેક્ટ નથી. ટીમ જણાવે છે પરંતુ આજ રોજ સવારે પિતાએ અન્ય મહિલાના નંબર પર ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. તેથી માતાને ફરી શંકા જતા તે નંબર પર વારંવાર ફોન કરેલ તેથી પિતાએ નોકરી પરથી આવીને ફોન કરવા બાબતે માતા સાથે ઝઘડો કરીને મારવાનો પ્રયાસ કરતા દીકરી વચ્ચે આવી ગયી હતી અને માતાનો પક્ષ લેતા પિતા દીકરી સાથે મારપીટ કરે છે અને આગળ ભણાવશે નહિ તેવી ધમકી આપે છે. તેથી દીકરી મુઝાઈને 181ની મદદ માંગે છે. 181 દ્વારા બંને પક્ષની વિગત જાણ્યા બાદ યુવતીના પિતાને સમજાવેલ કે, પૈસાના દેવું અને ટેન્શન હોય તેના કારણે ખોટા રસ્તે ના જવું. ખોટા રસ્તે જવાથી ટેન્શન ઓછા થવાને બદલે મુશ્કેલીઓ વધે છે. માટે દેવા કે ટેન્શનમાંથી નીકળવા માટે મહેનત કરવી. પૈસા ના દેવા અને નવા ઘરના હપ્તા ભરવામાં મદદ થાય તે માટે તમારા પત્ની પણ કામ કરવા જાય છે. જેથી તમને આર્થિક સપોર્ટ મળી રહે અને અન્ય મહિલા સાથે આડા સંબંધ રાખીને તમે પત્નીને દુઃખી કરો છે. દીકરી કૉલેજમાં ભણે છે શું યોગ્ય કે અયોગ્ય તેમને ખબર પડે છે માટે દીકરી સત્યનો પક્ષ લે છે. માટે દીકરીને આગળ ભણાવવી અને તેનું ભવિષ્ય બગાડવું નહિ. યુવતીના પિતા માફી માંગે છે અને આવી ભૂલ બીજી વાર નહિ થાય તેવી બાહેધરી આપે છે અને દીકરીને આગળ ભણવશે તેમ જણાવે છે.