મૂરજાણીએ આપઘાત કર્યો ત્યારે માનેલી દીકરી અને તેની માતા અમદાવાદ હતા
કાળા કલરની ડાર્ક ફિલ્મ લગાડેલી કારમાં ફરતી માતા - દીકરીને શોધવા માટે પોલીસની દોડધામ
વડોદરા, કન્ઝયુમર એક્ટિવિસ્ટ પી. વી. મૂરજાણીના આપઘાતના પગલે પોલીસે તપાસ શરૃ કરી છે. તેમણે રાતે સવા આઠ થી સાડા આઠની વચ્ચે પોતાની રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, મૂરજાણીએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તેમની માનેલી દીકરી કોમલ અને કોમલની માતા સંગીતાનું લોકેશન અમદાવાદમાં હતું.
કન્ઝયુમર એક્ટિવિસ્ટ પુરૃષોત્તમ મૂરજાણીના આપઘાતના પગલે શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેમની અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યા મુજબ, તેમની માનેલી દીકરી કોમલ અને કોમલની માતા સંગીતાબેનના અસહ્ય ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેઓ વચ્ચે પ્રોપર્ટીના મુદ્દે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાતે લમણા પર ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું. અંતિમ ચિઠ્ઠી સોશિયલ મીડિયાના ગૃપ પર ફરતી થતા લોકોને આશ્ચર્ય થયું હતું. પોલીસ દ્વારા તેમની માનેલી દીકરી કોમલ અને કોમલની માતા સંગીતાબેનને શોધવાની કવાયત શરૃ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, મૂરજાણીએ સવા આઠ થી સાડા આઠ વાગ્યાની વચ્ચે આપઘાત કર્યો હતો. તેમણે આપઘાત કર્યો ત્યારે કોમલ અને તેની માતા સંગીતાબેન અમદાવાદમાં હતા. તેઓ અમદાવાદથી એક્સપ્રેસ હાઇવે પરથી વડોદરા આવવા નીકળી ગયા હતા. પરંતુ, પોલીસને આ મેસેજ મોડો મળ્યો હતો. પોલીસ ટોલનાકા પર પહોંચી તે પહેલા જ માતા - દીકરી ટોલનાકુ ક્રોસ કરીને નીકળી ગયા હતા. ત્યારબાદ બંનેના મોબાઇલ ફોન બંધ છે. કાળા કલરની અને ડાર્ક ફિલ્મ લગાડેલી કારમાં ફરતા માતા દીકરીને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પરંતુ,તેઓનો કોઇ પત્તો નથી. વધુમાં પી.વી.મૂરજાણીની અંતિમ વિધિ ચાલતી હોવાથી તેમના પત્ની હજી પોલીસ ફરિયાદ આપવા આવ્યા નથી. તેઓ એટલા સ્વસ્થ નથી કે, ફરિયાદ કરી શકે. પોલીસ ફરિયાદ દાખલ થવાની રાહ જોઇ રહી છે.