યુનિ.નું ગ્રાઉન્ડ અને ટર્ફ વિકેટ તૈયાર નથી, ક્રિકેટ ટીમની પસંદગી અધ્ધરતાલ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિવિધ રમતોની ઈન્ટર ફેકલ્ટી ટુર્નામેન્ટો માટે પસંદગી પ્રક્રિયા શરુ થઈ છે પણ ક્રિકેટ ટીમની પસંદગી માટે કોઈ તારીખ જાહેર કરાઈ નથી.કારણકે યુનિવર્સિટી પાસે અત્યારે ક્રિકેટ ટીમની પસંદગી ટ્રાયલ લેવા માટે ગ્રાઉન્ડ પણ નથી અને ટર્ફ વિકેટ પણ નથી.
એમ.એસ.યુનિવર્સિટીએ છેલ્લા બે વર્ષથી બરોડા ક્રિકેટ એસોસિએશન સાથેનું એમઓયુ રિન્યૂ કર્યું નથી અને તેના કારણે યુનિવર્સિટીના ડી એન હોલ ગ્રાઉન્ડની સરખી રીતે જાળવણી થઈ રહી નથી.પહેલા એમઓયુના ભાગરુપે બરોડા ક્રિકેટ એસોસિએશન યુનિવર્સિટીના ગ્રાઉન્ડની જાળવણી કરવા માટે તેમજ ટર્ફ વિકેટ બનાવવા માટે ગ્રાઉન્ડસમેન પૂરા પાડતું હતું.
એમઓયુના અભાવે યુનિવર્સિટીના ડી એન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડની અને નેટ પ્રેક્ટિસ કરવા માટેની જગ્યાની જાળવણીના ફાંફા પડી રહ્યા છે. યુનિવર્સિટી પાસે નિષ્ણાત ગ્રાઉન્ડસમેન નથી.ડી એન હોલ ગ્રાઉન્ડ પરની ટર્ફ વિકેટ (પીચ) પણ ખતમ થઈ ગઈ છે.મેદાન પર કમર સુધીનું ઘાસ ઉગી ગયું છે.જ્યારે યુનિવર્સિટીના પેવેલિયન મેદાન પર જે વિકેટ બનાવવામાં આવી છે તે સિઝન બોલ ક્રિકેટ માટે અનુકુળ નથી.
આ સંજોગોમાં ફિઝિકલ એજ્યુકેશન વિભાગ સામે ક્રિકેટ ટીમની પસંદગી ક્યાં અને કેવી રીતે કરવી તેને લઈને મૂંઝવણમાં મૂકાયા છે અને એટલે જ ક્રિકેટ ટીમની ટ્રાયલની તારીખો જાહેર થઈ રહી નથી.દર વર્ષે બોયઝ અને ગર્લ્સ ટીમ માટે ૪૦૦ થી ૫૦૦ સ્ટુડન્ટસ ટ્રાયલમાં આવતા હોય છે.જાણકારોનું કહેવું છે કે, પસંદગીની ટ્રાયલ અને એ પછી પ્રેકટિસ કરવા માટે ટર્ફ વિકેટ બહુ જરુરી હોય છે.મેદાનનુ ઘાસ તો કપાઈ જશે પણ ટર્ફ વિકેટ રાતોરાત તૈયાર કરવી શક્ય નથી.
યુનિ.ના ખેલાડીઓની રણજી ટીમમાં પસંદગી થાય છે
કેટલાક ઉભરતા ક્રિકેટરો તો યુનિવર્સિટીની ક્રિકેટ ટીમને ધ્યાનમાં રાખીને જ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા હોય છે.સૂત્રોનું કહેવું છે કે, વડોદરાની રણજી ટીમમાં યુનિવર્સિટીના બે થી ત્રણ ખેલાડીઓની નિયમિત રીતે પસંદગી થતી હોય છે.ભારતીય ટીમમાંથી રમનારા અતુલ બેદાડે અને નયન મોંગિયા પણ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનો હિસ્સો હતા.જોકે યોગ્ય સુવિધાઓના અભાવે યુનિવર્સિટીની ક્રિકેટ ટીમ વતી રમનારા ખેલાડીઓને સહન કરવું પડશે
બીસીએ મેદાન ફરતે સ્ટેડિયમ બનાવી આપે તેવો સત્તાધીશોનો હઠાગ્રહ હતો
બીસીએ સાથે બે વર્ષ પહેલા એમઓયુ રિન્યૂ કરવાનું આવ્યું ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ એવો આશ્ચર્યજનક પ્રસ્તાવ મૂકયો હતો કે, બીસીએ ગ્રાઉન્ડની જાળવણી તેમજ ક્રિકેટ ટીમના કોચિંગની સાથે સાથે ડી એન હોલ મેદાન ફરતે સ્ટેડિયમ તૈયાર કરી આપે અને ફલડ લાઈટો પણ લગાવી આપે.બીસીએના પદાધિકારીઓએ યુનિવર્સિટીની માલિકીની જગ્યામાં સ્ટેડિયમ બનાવવું શક્ય નથી તેવુ કહ્યું હતું.આ મુદ્દા પર યુનિવર્સિટી સત્તાધીશોએ એમઓયુ આગળ વધારવાનો ઈનકાર કરી દીધો હતો.યુનિવર્સિટી સત્તાધીશોના હઠાગ્રહના કારણે હવે ક્રિકેટ ટીમને તેના માઠા પરિણામો ભોગવવાના આવી રહ્યા છે.કારણકે યુનિવર્સિટી પાસે તો સ્પર્ધાત્મક ક્રિકેટ માટે યોગ્ય માળખું જ નથી.આમ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનું ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું છે