દશરથ ગામે મહિલાને ગાયે શિંગડે ભેરવતા ઇજા
૧૫ દિવસ અગાઉ પણ એક બાળકને ગાયે શિંગડે ભેરવી ઇજા પહોંચાડી હતી
વડોદરા,શહેર નજીકના દશરથ ગામે વહેલી સવારે કુદરતી હાજતે જતી મહિલાને ગાયે પાછળથી આવી શિંગડું મારતા કમર તથા છાતીના ભાગે ઇજા થઇ હતી. મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દશરથ ગામે રહેતા ૩૦ વર્ષના ઉષાબેન મહેશભાઇ ભીલ આજે સવારે સાડા છ વાગ્યે કુદરતી હાજત જવા ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ઉભેલી બે પૈકીની એક ગાયે પાછળથી આવીને તેઓને શિગડે ભેરવી પછાડતા તેઓને કમર તથા છાતીના ભાગે ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. ૧૫ દિવસ અગાઉ મારા ભત્રીજાને પણ ગાયે શિંગડું માર્યુ હતું. તંત્ર દ્વારા રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય તે માટે કાર્યવાહી થવી જરૃરી છે.