રેલવેના બ્રિજની નીચેથી આખરે વાહનચાલકો માટે જોખમી સેફ્ટી નેટ દૂર કરાઈ
- મોડે મોડે પણ તંત્ર જાગ્યું: હજારો વાહનચાલકોના માથા પરથી મોતનું જોખમ દૂર થયું
વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર
વડોદરાથી સિંઘરોટ તરફ જતાં હાઇવે પર બનાવવામાં આવેલા ડીએફસીસીના બ્રિજની નીચે લગાવેલી સેફ્ટી નેટ આખરે તંત્ર દ્વારા દૂર કરી દેવામાં આવી છે. આ નેટની ઉપર મૂકેલા મોટા પથ્થરો ગમે ત્યારે નેટ તોડીને નીચે પડે તો મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી પરંતુ કોઈ મોટી ધટના બને તે પહેલાં તંત્ર જાગ્યું હતું.
સેવાસી થી ભીમપુરા તરફ જવા સેન્ટ્રલ ગવર્નમેન્ટના બે મોટા પ્રોજેક્ટોના બ્રિજોની નીચેથી પસાર થવું પડે છે. ભીમપુરા અને સોનારકુઇ વચ્ચે 100 મીટરના અંતરે આવેલા બંને બ્રિજની પહોળાઇ મોટી હોવાથી લાંબા સમયથી કામ ચાલતું હતું જેના કારણે ડાયવર્ઝન અપાતા અનેક વાહનચાલકોએ જે તે સમયે મુશ્કેલી સહન કરવી પડી હતી. આ બંને બ્રિજનું કામ પૂરુ થઇ ગયું છે અને તેના પરથી વાહનવ્યવહાર તેમજ ગુડ્સ ટ્રેનની અવરજવર શરૂ થઇ ગઇ છે પરંતુ બ્રિજ નીચે વાહનચાલકોની મુશ્કેલી પણ હજી એવી જ છે.
કેન્દ્ર સરકારના બે મોટા પ્રોજેક્ટો મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે તેમજ રેલવેના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ડીએફસીસી)ના પ્રોજેક્ટમાં એક્સપ્રેસ વે માટે બનાવેલા બ્રિજની નીચે અગાઉ સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી. બે બ્રિજ પૈકી એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ થતાંની સાથે જ આ સેફ્ટી નેટ હટાવી દીધા બાદ ત્યાંથી વાહનોની અવરજવર શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ રેલવેના પ્રોજેક્ટ માટેના બ્રિજની નીચેથી વાહનોની અવરજવર તો શરૂ કરી દેવામાં આવી છે પણ બ્રિજની નીચે લગાવેલી સેફ્ટી નેટ દૂર કરવામાં આવી ન હતી.
રેલવેના આ બ્રિજની નીચેની સેફ્ટી નેટની ઉપર મોટા મોટા પથ્થરો મૂકેલા હતા અને સેફ્ટી નેટ પણ ગમે ત્યારે તૂટી જાય તેવી શક્યતા હતી જેના કારણે જો સેફ્ટી નેટ તૂટે અને મોટા પથ્થરો નીચે પડે તો નીચેથી પસાર થતાં વાહનચાલકનું મૃત્યુ નિપજી શકે અથવા ગંભીર ઇજા થઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ હતું. કોઇ કારની ઉપર પણ પથ્થર પડે તો કારને અથવા અન્ય કોઇ વાહનને પણ મોટું નુકસાન થવાની શક્યતા હતી.