હવામાન બદલાતાં ખેડૂતો ચિંતિતઃકેરી,ઘંઉ, બાજરી, મગ,મગફળી જેવા પાકોને નુકસાનઃકેનાલમાં પાણી પણ બંધ
વડોદરાઃ વડોદરા જિલ્લામાં બે દિવસથી બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે.તો બીજીતરફ કેટલાક તાલુકામાં ખરા સમયે કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
એકાએક હવામાનમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને જમીન માટે જરૃરી ગરમી મળતી નથી.આવા સમયે ગરમી અને પાણી બંનેની અછતને કારણે પાક પર અસર થઇ રહી છે.
મળતી માહિતી મુજબ,વાદળછાયા વાતાવરણને કારણે આંબામાં જીવાત પડવાની શક્યતા છે.જ્યારે,પવનનું જોર પણ વધુ હોવાથી કેરી અને મોરને નુકસાન થઇ રહ્યું છે.જો આવું વાતાવરણ લાંબુ ચાલે કે વરસાદ પડે તો કેરીને મોટું નુકસાન થઇ શકે છે.
આવી જ રીતે મગ,મગફળી,તલ, બાજરી,સૂંઢિયું,ચણા,ઘંઉ,કપાસ, દિવેલા જેવા પાકોને પણ નુકસાન જવાની શક્યતા છે.આવા સમયે પાણીની તાતી જરૃર છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા સહિતના કેટલાક વિસ્તારોમાં કેનાલોનું પાણી બંધ કરી દેવાયું છે.જેને કારણે ખેડૂતોમાં રોષની લાગણી વ્યક્ત થઇ છે.