ડાકોરમાં મુશળધાર વરસાદ વરસતા ઘૂંટણસમા પાણી ભરાયા
પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
ડાકોર: ડાકોરમાં ગુરુવારે વરસેલા વરસાદમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. નગરના વિવિધ વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાતા દર્શનાર્થીઓ સહિતનાને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થિતિ સર્જાઈ હોવાનો રોષ નગરજનોએ ઠાલવ્યો હતો.
ડાકોર નગરમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદ આવતા જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. નગરના મંદિર ચોક વિસ્તાર, ગોપાલપુર, પુનિતાશ્રમ, કુમારશાળા વિસ્તાર, જાખેડનારા વાળો રોડ, નિપુલમાર્ગ, ગણેશ ટોકીઢ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. નગરમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઘુંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ દર્શનાર્થીઓ સહિત નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે ચારથી પાંચ ઈંચ વરસાદ ખાબકે તો ગામ બેટમાં ફેરવાય તેવી સ્થિતિ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. ત્યારે વરસાદી પાણીનો સત્વરે નિકાલ કરવામાં આવે તથા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.