વડોદરામાં ગોત્રી ગામના નવા હેલ્થ સેન્ટરમાં અને જુના હેલ્થ સેન્ટરમાં દવા ઇન્જેક્શનો રોજિંદી હેરફેરી
વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હાલ એક હેલ્થ સેન્ટર કાર્યરત છે જ્યારે ગોત્રી ગામ પાછળના વિસ્તારમાં અન્ય એક નવું હેલ્થ સેન્ટર કાર્યરત કરાયું છે. આવા કુલ ચાર હેલ્થ સેન્ટર બનાવવાના હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ મજાની વાત એ છે કે નવા બનાવેલા હેલ્થ સેન્ટરમાં દવા અને ઇન્જેક્શનનોની સામગ્રી જુના હેલ્થ સેન્ટરમાંથી શિફ્ટ કરવામાં આવે છે. જ્યારે જરૂર જણાય ત્યારે નવા હેલ્થ સેન્ટરમાંથી જુના હેલ્થ સેન્ટરમાં ઇન્જેક્શનનો સહિત દવાઓની સામગ્રીની હેરફેર કરાય છે. અઢી કિલોમીટર જેટલા અંતરે આવેલા આ હેલ્થ સેન્ટરમાં દવા અને ઇન્જેક્શનની સામગ્રી જરૂરિયાત મુજબ વારંવાર શિફ્ટ કરવામાં આવે છે. આમ દિલ્હી થી દોલતાબાદ અને દોલતાબાદ થી દિલ્હી જેવો ઘાટ વારંવાર સર્જાયા કરે છે. આ નવા હેલ્થ સેન્ટરનું હજી ઉદ્ઘાટન બાબતે પણ તારીખ નક્કી થયા નથી છતાં પણ દર્દીઓની જરૂરિયાતના કારણે શરૂ કરી દેવાયું છે. પરંતુ ઉદ્ઘાટન બાબતે હજી કોઈ મુહૂર્ત નક્કી થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કુલ ચાર હેલ્થ સેન્ટરો બનાવવાનો પ્રોજેક્ટ છે જેમ જે પૈકીના બે હેલ્થ સેન્ટરો નવા બની ગયા છે અને જેનું ઉદઘાટન પણ થઈ ગયું છે. જ્યારે હાલના હેલ્થ સેન્ટરનું ઉદઘાટન પણ હજી થયું નથી અને રોજિંદા ઇન્જેક્શનનો દવા અને માલ સામાનના હેરફેરનો કાર્ટિંગનો ચાર્જ પણ વ્યર્થ જાય છે. ઉલ્લેખનીય છે કે ગોત્રી વિસ્તારમાં આવેલું જુનુ હેલ્થ સેન્ટર જર્જરિત મકાનમાં ચાલી રહ્યું છે.