Get The App

માંજલપુરના યુવકોની અનોખી ગણેશ ભક્તિઃનદી- તળાવો સ્ચ્છ રાખવા 80 ટીમો દ્વારા રોજ 300 પંડાલોમાંથી પૂજાપાનું કલેક્શન

જે કામ કોર્પોરેશને કરવાનું છે તે કામ સામાન્ય વર્ગના યુવકો કરી રહ્યા છે,પરંતુ કોર્પોરેશને ક્યારેય પીઠ થાબડી નથી

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
માંજલપુરના યુવકોની અનોખી ગણેશ ભક્તિઃનદી- તળાવો સ્ચ્છ રાખવા 80 ટીમો દ્વારા રોજ 300 પંડાલોમાંથી પૂજાપાનું કલેક્શન 1 - image

વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવની ધૂમ મચી છે તેવા સમયે માંજલપુરના યુવા સંગઠનના સ્વયંસેવકો દ્વારા શ્રીજી મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને સ્વચ્છતાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે.

માંજલપુર દરબાર ચોકડી વિસ્તારમાં કામ કરતા યુવા સંગઠનમાં મોટાભાગના નોકરીયાત અને સામાન્ય વર્ગના યુવકો સામેલ  છે.આ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવતી નથી.પરંતુ જે મંડળો દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે તે મંડળો પાસે પહોંચી જઇ ગણેશજીને ચડાવેલા ફૂલહાર અને પૂજાપા સહિતની સામગ્રીનું કલેક્શન કરે છે.

સંગઠનના કાર્યકરોએ ૮૦ જેટલી ટીમો  બનાવી છે અને તેઓ ટુવ્હીલર,રિક્ષા,ટેમ્પા જેવા વાહનોમાં જુદાજુદા વિસ્તારોના ગણેશ પંડાલોમાં રોજ રાતે પહોંચી જઇ આખા દિવસનો નિર્માલ્ય(પૂજાપો) એકત્રિત કરે છે.

સંગઠનના આગેવાન મુકેશભાઇ રાજપૂત  કહે છે કે,અમે સ્વખર્ચે આ સેવા આપી શ્રીજીના ઉત્સવની ઉજવણી કરીએ છીએ.જેની પાછળનો હેતુ ગણેશ પંડાલો,નદી અને તળાવોમાં સ્વચ્છતા જળવાય તે માટેનો છે.અમારી ટીમો જ્યાંથી મેસેજ મળે ત્યાં પહોંચે છે અને આ પૂજાપો કોર્પોરેશનને ખાતર બનાવવા માટે આપી દઇએ છીએ.લગભગ રોજ ૩૦૦ ગણેશ પંડાલોમાંથી ૨૫૦ કિલોથી વધુ પૂજાપો ઉઘરાવીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મેસેજ આપી રહ્યા છીએ.

માંજલપુરના યુવકોની અનોખી ગણેશ ભક્તિઃનદી- તળાવો સ્ચ્છ રાખવા 80 ટીમો દ્વારા રોજ 300 પંડાલોમાંથી પૂજાપાનું કલેક્શન 2 - imageજે કામ કોર્પોરેશને કરવાનું છે તે કામ 10  વર્ષથી કરતા યુવક મંડળની ક્યોરેય કદર કરી નથી

માંજલપુરના યુવક મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણેશ પંડાલોમાંથી પૂજાપો ઉઘરાવીને કોર્પોરેશનને વિનામૂલ્યે આપવામાં આવે છે.જેનો ઉપયોગ કોર્પોરેશન ખાતર બનાવવામાં કરે છે.પરંતુ કોર્પોરેશને આજ સુધી યુવક મંડળની કામગીરીને બિરદાવી નથી.

સામાન્ય રીતે ગણેશ પંડાલોમાંથી પૂજાપો અને ફૂલહાર જેવા નિર્માલ્ય એકત્રિત કરવાનું કામ કોર્પોરેશનનું હોય છે.પરંતુ આ કામ માંજલપુર યુવા સંગઠન દ્વારા દસ વર્ષથી સ્વખર્ચે કરવામાં આવે છે.તેઓ રોજ ૨૫૦ કિલોથી વધુ પૂજાપો કોર્પોરેશનને આપે છે.

આશ્ચર્યની વાત એ છે કે,જે કામ કોર્પોરેશને કરવાનું છે તે કામ યુવકો આખી રાત ઉજાગરા કરીને કરી રહ્યા છે.કોર્પોરેશન તેમની પાસેથી દસ દિવસમાં અંદાજે ૨૫૦૦ કિલો જેટલો પૂજાપો મેળવી ખાતર માટે ઉપયોગ કરે છે.પરંતુ આજ સુધી કોર્પોરેશને ક્યારેય આ યુવકોની કદર કરી નથી કે તેમને પ્રોત્સાહન પણ આપવાની તસ્દી લીધી નથી.

સુરક્ષાનો મેસેજ આપવા માટે નિર્માલ્ય લેવા જતા યુવકો માટે હેલમેટ ફરજીયાત

સમાજને સ્વચ્છતાની સાથે સાથે સુરક્ષાનો મેસેજ આપવા માટે માંજલપુર યુવા સંગઠનના કાર્યકરો માટે પૂજાપો એકત્રિત કરવા જવા માટે હેલમેટ ફરજીયાત રાખવામાં આવ્યું છે.આ યુવકો પોતે શ્રીજી ની સ્થાપના કરતા નથી.પરંતુ જ્યાં ગણેશજીની સ્થાપના થાય છે ત્યાં સેવા આપીને જુદી રીતે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે.


Google NewsGoogle News