ટ્રેનમાંથી ઉતરેલો દાહોદનો વેપારી રૃા.૨૭ લાખ રોકડ સાથે ઝડપાયો
સોપારીના વેપારી અંગે રેલવે પોલીસ દ્વારા આઇટી વિભાગને જાણ કરાઇ
અંકલેશ્વર તા.૨૫ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૃ.૨૭ લાખની રોકડ સાથે દાહોદના એક વેપારીને રેલવે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ હરિદ્વાર-વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી અંક્લેશ્વર સ્ટેશન પર એક બેગ સાથે ઉતરતા એક શખ્સની શંકાસ્પદ હિલચાલથી અંકલેશ્વર રેલ્વે પોલીસે તેને ઊભો રાખી તલાશી લેતા તેની બેગમાંથી રોકડ રકમ રૃ.૨૭ લાખ મળી હતી.
મોટી રોકડ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે મૂળ દાહોદના યોગેશ ટેકચંદ પ્રીતમાણી હોવાનુ બહાર આવ્યુ હતુ. તેમજ તે સોપારીનો વેપારી હોવાનુ અને અંકલેશ્વરમાં વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનુ પણ જણાવ્યુ હતુ. રેલ્વે પોલીસે ૪૧(૧) ડી મુજબ યોગેશ પ્રીતમાણીની રોકડ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રેલવે પોલીસ દ્વારા આ અંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,ચૂંટણીની આચાર સંહિતાનો અમલ ચાલી રહ્યો છે, ત્યારે આટલી મોટી રકમ રોકડ સ્વરૃપે મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.