ડભોઇમાં ચાર વર્ષે તૈયાર થયેલા ઓવરબ્રિજમાં બે માસમાં જ ગાબડા
મોડીરાત્રે ઓવરબ્રિજ પરનો વાહનવ્યવહાર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો ઃ રાતોરાત મરામત હાથ ધરાઇ
ડભોઇ તા.૧૫ ડભોઇની સરિતા ફાટક પાસે ધીમી ગતિની કામગીરી બાદ બે માસ પહેલાં જ શરૃ થયેલા નવા ઓવરબ્રિજમાં મોટું ગાબડું પડતા બ્રિજની હલકી કક્ષાની કામગીરી ખુલ્લી પડી ગઇ હતી. મોડીરાત્રે બ્રિજ પરથી અવરજવર બંધ કરાતા હજારો વાહનચાલકો સવારે અટવાઇ ગયા હતાં. જો કે બ્રિજ પરના મોટા ગાબડાનું રિપેરિંગ રાતોરાત શરૃ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રેલવે ફાટકમુક્ત અભિયાન હેઠળ ડભોઇના પ્રવેશદ્વાર એવી સરિતા ફાટક પાસે નવો ઓવર બ્રિજ બનાવાયો છે. આ બ્રિજની એક બાજુ તૈયાર થઈ જતા વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાયો હતો. જેને હજી માંડ બે માસનો સમય થયો છે, ત્યાં ગઈકાલે રાત્રિના બ્રિજની વચ્ચે એપ્રોચના ભાગમાં મોટું ગાબડું પડી ગયું હતું. તેમજ બ્રિજના મધ્યમાંથી કેટલોક ભાગ છૂટો પડવાની સાથે બ્રિજનો એક્સપાન્શન જોઈન્ટ છૂટો પડી ગયો હોવાનું જોવા મળતું હતું.
બ્રિજની હલકી કક્ષાની કામગીરી ખુલ્લી પડી હોવાની જાણ થતાં આર એન્ડ બી વિભાગના અધિકારીઓ અડધી રાત્રે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં તેમજ રાતોરાત બ્રિજ પરના ગાબડાની મરામત કરવાની કામગીરી શરૃ કરી દેવાઈ હતી. ઘટનાને પગલે બ્રિજને તાબડતોબ બંધ કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. જેના પગલે મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતાં. તેમજ રાત્રે ઘરે પહોંચવાની ઉતાવળમાં રાહદારીઓ રસ્તાઓ પર હેરાન પરેશાન થયા હતાં.
વડોદરા-ડભોઈના વાહન વ્યવહારને વેગા ચોકડીથી મહુડી ભાગોળ તથા નડા તેમજ કાયાવરોહણ તરફ ડાયવર્ટ કરાયો હતો. જ્યારે બ્રિજની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ બ્રિજ છેલ્લા ૪ વર્ષથી બની રહ્યો હતો. તેમજ તેની ધીમી ગતિની કામગીરીને લઈ અનેક વાર વિવાદ પણ સર્જાયો હતો. ૪ વર્ષે બનેલા બ્રિજ પર માત્ર બે માસમાં જ ગાબડું પડી જતાં બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો સર્જાયા છે. તેમજ આ મામલે તપાસ સમિતિ બનાવી તપાસ કરવા અને જવાબદારો સામે પગલા લેવાની માંગ ઊઠી છે.