સિગ્નસ સ્કૂલે ચોક્કસ વેન્ડર પાસેથી લેપટોપ ખરીદવા પરિપત્ર કર્યો
વડોદરાઃ સ્કૂલો દ્વારા ચોક્ક્સ દુકાનો પરથી યુનિફોર્મ લેવાની ફરજ પાડતી હોવાની ફરિયાદ વાલીઓ છાશવારે કરતા હોય છે તો વડોદરાની હરણી- મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ સ્કૂલે તો છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ માટેનુ લેપટોપ અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પરના એક ચોક્કસ વેન્ડર પાસેથી ખરીદવા પર ભાર મુકતો એક પરિપત્ર વાલીઓને મોકલી મોકલી આપ્યો છે.
જેને લઈને વાલીઓમાં રોષ અને કચવાટની લાગણી છે.સ્કૂલે પોતાના પરિપત્રમાં આ લેપટોપ ચોક્કસ ધારાધોરણો પ્રમાણે હોવુ જોઈએ તેવો ભાર મુકયો છે અને તે આ જ વેન્ડર પાસેથી લગભગ ૩૦૦૦૦ રુપિયામાં મળશે તેમ કહ્યુ છે.સાથે સાથે વાલીઓને લેપટોપ ખરીદવા માટે તા.૮ મે સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, સ્કૂલે વાલીઓને સિક્યુરિટી ફિચર્સનો હવાલો આપીને આ લેપટોપને ઓનલાઈન નહીં ખરીદવા માટે ચેતવણી આપી છે.સરવાળે સ્કૂલે આડકતરી રીતે પરિપત્રમાં એક જ જગ્યાએથી લેપટોપ ખરીદવા પર ભાર મુકયો છે.
બીજી તરફ કેટલાક વાલીઓનુ કહેવુ છે કે, સ્કૂલ દ્વારા ચોક્કસ વેન્ડર પાસેથી જ લેપટોપ ખરીદવા માટે આગ્રહ કેમ રાખવામાં આવી રહ્યો છે તે સવાલ છે.વાલીઓ સસ્તુ લેપટોપ મળતુ હોય તો અન્ય જગ્યાએથી પણ ખરીદી શકે છે.
સ્કૂલ વેન્ડર પાસેથી એક પૈસો કમિશન લેતી નથી,
સ્કૂલના સત્તાવાર સૂત્રોનુ કહેવુ છે કે, સ્કૂલ વેન્ડર પાસેથી એક પૈસાનુ કમિશન લેવાની નથી.ઉલટાનુ સ્કૂલ વાલીઓને સસ્તી વસ્તુ મળે તેવા પ્રયત્ન કરતી હોય છે. વિદ્યાર્થીઓના લેપટોપની સુરક્ષાનો પણ સવાલ છે અને તેના કારણે સ્કૂલ લેપટોપમાં ચોક્કસ પ્રકારના સિક્યુરિટી ફીચર્સ અને સોફટવેરનો આગ્રહ રાખી રહી છે.