વડોદરામાં વાવાઝોડાની તબાહીઃવૃક્ષો તૂટતાં વાહનો દબાયા,થાંભલા ધરાશાયી થતાં વાહનોમાં આગ
100 થી વધુ બનાવો બન્યા,ફાયર બ્રિગેડની દોડધામ,હોર્ડિંગ અને પતરાં તૂટતાં ત્રણને ઇજા
વડોદરાઃ શહેરમાં મોડી સાંજે ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાને કારણે ૧૦૦ થી વધુ સ્થળોએ વૃક્ષો,વીજ થાંભલા અને હોર્ડિંગ્ઝ ધરાશાયી થતાં ફાયર બ્રિગેડની ટીમો સતત દોડતી રહી હતી.
વડોદરામાં મોડીસાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વંટોળિયો ફૂંકાતાં લોકો અટવાઇ ગયા હતા.અનેક સ્થળોએ વાહનચાલકો રોકાઇ ગયા હતા જ્યારે,ઓફિસોમાં પણ લોકો પુરાઇ રહ્યા હતા.ઢોરોમાં પણ નાસભાગ મચી હતી અને તેને કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
વંટોળિયો શમી ગયા બાદ અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના અને તેની નીચે ફોર વ્હીલર તેમજ ટુવ્હીલર દબાઇ જવાના કોલ્સ ફાયર બ્રિગેડને મળવા માંડયા હતા.પંડયા બ્રિજ,ફતેગંજ મેઇનરોડ,વાઘોડિયા રોડ જેવા સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાયા હોવાના કોલ મળ્યા હતા.જ્યારે સલાટવાડામાં ચાર બાઇક દબાઇ હોવાની માહિતી મળતાં ટીમો કામે લાગી છે.
આ ઉપરાંત પ્રતાપનગર પોલીસ લાઇનમાં વીજ થાંભલો તૂટી પડતાં કાર અને બાઇકમાં આગ લાગી હતી.જ્યારે,રાવપુરામાં પણ થાંભલો તૂટતાં શોર્ટસર્કિટને કારણે એક બાઇક સળગી હતી.આ બનાવોમાં કોઇ જાનહાનિ થયાની હાલપુરતી માહિતી નથી.
મકરપુરા વડસર વિસ્તારમાં એક બ્રિજ પાસે હોર્ડિંગ તૂટી પડતાં પસાર થતી એક યુવતીને ઇજા થઇ હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.મોડીરાત સુધી મદદ માટે સતત કોલ્સ ચાલુ રહેતાં ફાયર બ્રિગેડની ટીમો દોડતી રહી હતી.