વડોદરામાં ૮૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું મધ્ય ગુજરાતને ઘમરોળતી ધૂળની આંધી
સમી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ આંધી ફૂંકાઇ ઃ ઠેરઠેર વૃક્ષો ધરાશાયી, બેનરો ફાટયા
વડોદરા, તા.13 વડોદરા શહેર સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મે માસની ગરમીમાં અષાઢી માહોલ સર્જાયો હતો. ૮૦ કિ.મી.ની સ્પીડે વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડયા બાદ વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં તો બરફના કરા પડયા હતાં. વડોદરામાં થંડરસ્ટ્રોમની અસર વચ્ચે સમી સાંજે સર્જાયેલા વાતાવરણના પગલે લોકો અટવાઇ ગયા હતાં. રોડ પરની વિઝિબિલિટિ પણ ઘટી ગઇ હતી. હવામાં પણ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.
ઉલ્લેખનીય છે કે હવામાનખાતા દ્વારા મધ્ય ગુજરાતના વાતાવરણમાં આંશિક બદલાવની આગાહી કરવામાં આવી હતી. આજે સાંજે વાતાવરણમાં અણધાર્યો બદલાવ આવ્યો હતો. બપોર સુધી સખત ગરમીમાં શેકાતાં લોકોને સાંજના સુમારે વાતાવરણે ઠંડકનો અહેસાસ કરાવ્યો હતો. હવામાનખાતાના જણાવ્યા મુજબ સાંજે સવા સાત વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પવન બાદ વરસાદી ઝાપટું પડયું હતું.