વડોદરામાં સાંજે ૧૧૦ KMની ઝડપે વાવાઝોડા સાથે તોફાની વરસાદ
ત્રણ ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાતા અનેક રોડ પર ચક્કાજામ ઃ સંખ્યાબંધ વૃક્ષો તૂટી પડયા
વડોદરા, તા.25 વડોદરામાં આજે આખો દિવસ ભારે ઉકળાટ બાદ સાંજે વાતાવરણ અચાનક બદલાયું હતું. ૧૧૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ઘમરોળ્યું હતું. સાંજના સુમારે વાવાઝોડા અને ઠેરઠેર પાણી ભરાઇ જતાં અનેક લોકો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતાં. આ ઉપરાંત અનેક વૃક્ષો પણ ધરાશાયી થઇ જતા માર્ગ પર ટ્રાફિકને અવરોધ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે આજે દિવસ દરમિયાન શહેરીજનો ગરમી અને ઉકળાટમાં હેરાન પરેશાન થયા હતાં. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા નોંધાયું હતું. આખો દિવસ ઉકળાટમાં લોકો શેકાયા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક વાવાઝોડું ફૂંકાયું હતું અને ધૂળની ડમરીઓ ઉડીને અંધકાર છવાયા બાદ વરસાદ તૂટી પડયો હતો. સાંજના સુમારે લોકો ઓફિસેથી ઘેર જતી વખતે અટવાઇ ગયા હતાં. ઓછી વિઝિબિલિટીના કારણે રોડ પર ૧૦ ફૂટ દૂર લોકોને દેખાતું ન હતું.
૧૧૦ કિલોમીટરની સ્પીડે ફૂંકાયેલા વાવાઝોડાએ સમગ્ર શહેરને થંભાવી દીધું હતું. ભારે વરસાદના કારણે શહેરના અનેક માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા માર્ગો પર વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી. વડોદરામાં છેલ્લા ૨૫ વર્ષમાં ૧૧૦ની સ્પીડે વાવાઝોડું આવ્યું નથી તેમ જાણકારોનું કહેવું છે. તીવ્ર વાવાઝોડું અને ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
હવામાનખાતાના જણાવ્યા મુજબ આજે તાપમાનનો મહત્તમ પારો ૩૩.૬ અને ન્યૂનત્તમ ૨૫ ડિગ્રી નોંધાયો હતો જ્યારે સવારે ભેજનું પ્રમાણ ૯૩ અને સાંજે ૭૭ ટકા હતું. જ્યારે પૂર નિયંત્રણકક્ષના જણાવ્યા મુજબ શહેરમાં આજે સાંજે છથી આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ શહેર જળબંબાકાર થઇ ગયું હતું.