વડોદરામાં સાયબર ફ્રોડના કેસો વર્ષમાં ડબલ થયાઃ600 લોકોએ 8 કરોડ ગુમાવ્યા
વડોદરાઃ વડોદરામાં સાયબર ફ્રોડના બનાવોમાં મોટો ઉછાળો આવ્યો છે.લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે,પરંતુ સાયબર માફિયાઓ એક ડગલું આગળ હોવાથી બનાવોની સંખ્યા વધી રહી છે.
સાયબર ફ્રોડના મોટાભાગના કિસ્સાઓમાં અશિક્ષિત અને બેરોજગાર યુવકો પકડાતા હોય છે.વડોદરા શહેર પોલીસે સાયબર સેલની જગ્યાએ સાયબર પોલીસ સ્ટેશન શરૃ કર્યું હોવા છતાં આવા કિસ્સાઓ અટકવાનું નામ લેતા નથી.
એક વર્ષ પહેલાં સાયબર ફ્રોડના સરેરાશ રોજના ૧૦ થી ૧૨ કેસ એટલેકે મહિને ૩૦૦ની આસપાસ કેસો બનતા હતા.પરંતુ આ કિસ્સાઓ બમણાં થઇ ગયા છે અને રોજના સરેરાશ ૨૦ જેટલા લોકો એટલેકે મહિને ૬૦૦ જેટલાલોકો સાયબર ફ્રોડમાં ફસાઇ રહ્યા છે.
સાયબર પોલીસ સ્ટેશનમાં રૃ.૧ લાખ થી ઉપરના બનાવો નોંધવામાં આવે છે અને મોટાભાગની અરજીઓ સાયબર પોલીસ સ્ટેશનમાં આવે છે.મહિને સરેરાશ ૬૦૦ જેટલા બનાવ બનતા હોય તો સાયબર માફિયાઓ નગરજનો પાસે એક મહિનામાં રૃ.૬ થી ૮ કરોડ લૂંટી લેતા હોય છે.વળી તેઓ વારંવાર લૂંટની પધ્ધતિ બદલી નાંખતા હોવાથી લોકો આસાની થી ફસાતા હોય છે.
શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે સાયબર ફ્રોડના બનાવો રોકવા માટે જાગૃતિ અભિયાન ચલાવવા પોલીસને સૂચના આપી છે.પોલીસ દ્વારા મીટિંગો અને સેમિનાર કરીને લોકોને સમજ આપવામાં આવી રહી છે.પરંતુ તેની કોઇ ખાસ અસર જોવા મળતી નથી.
સૌથી વધુ ચાર પ્રકારની પધ્ધતિમાં માફિયાઓને ફાવટ
ઇન્વેસ્ટમેન્ટ,કુરિયર,ન્યૂડ કે મોર્ફ વીડિયો અને પોલીસના નામે ફ્રોડ
વડોદરાઃ વડોદરામાં સાયબર ફ્રોડના બનતા બનાવોમાં ચાર પ્રકારની પધ્ધતિમાં લોકો સૌથી વધુ ફસાતા હોવાથી સાયબર સેલના પીઆઇ બી એન પટેલે લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે.આ ચાર પધ્ધતિ આ મુજબની છે.
(૧)ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડઃ સાયબર માફિયાઓ ઉંચુ વળતર આપવાની લાલચ આપી લોભામણી સ્કીમો તેમજ ઓનલાઇન ટાસ્ક-પાર્ટટાઇમ જોબના નામે જાળ પાથરે છે.
(૨)કુરિયર ફ્રોડઃતમારૃં ગેરકાયદે સિમ કાર્ડ અને કુરિયર પકડાયું છે તેમ કહી જુદાજુદા બહાના બતાવી રૃપિયા માંગવામાં આવે છે.
(૩) મોર્ફ કે ન્યૂડ વીડિયોઃ યુવતીના નામે વાત કરાવી ગઠિયાઓ મોર્ફ કરેલો વીડિયો કે ન્યૂડ વીડિયો બનાવી મન ફાવે તેટલા રૃપિયા પડાવી લેતા હોય છે.
(૪)ડિજિટલ એરેસ્ટ સ્કેમઃ પોલીસ કે સરકારી અધિકારી તરીકે વાત કરી તમારૃં એરેસ્ટ વોરંટ નીકળ્યું છે તેમ કહી વોરંટ રદ કરાવવા રૃપિયા પડાવવામાં આવે છે.જેથી લોકોએ ગભરાયા વગર ૧૯૩૦ કે સાયબર સેલનો સંપર્ક કરવો જોઇએ.
ચાર દિવસ પહેલાં એક ઇન્વેસ્ટરે ૯૪લાખ ગૂમાવ્યા હતા,નિવૃત્ત પ્રોફેસરે ૪૭ લાખ અને વકીલે ૨૯ લાખ ગૂમાવ્યા હતા
સાયબર માફિયાઓ સામે જાગૃતિ લાવવાની સતત ઝૂંબેશ ચાલી રહી હોવા છતાં સાયબર માફિયાઓ ફાવી રહ્યા છે.
પહેલાં સાયબર માફિયાઓ એટીએમ કાર્ડ કેન્સલ થઇ જશે,બેન્ક એકાઉન્ટ કેવાયસી નહિં થાય તો ફ્રીઝ થઇ જશે જેવા બહાના બતાવી હજારો રૃપિયાપ પડાવતા હતા.
પરંતુ ફ્રોડની સંખ્યા વધવાની સાથે ઠગાઇની રકમ પણ વધી છે અને ઓનલાઇન ઠગો હવે લાખોમાં રમતા થયા છે. ચાર દિવસ પહેલાં જ એક ઇન્વેસ્ટરે રૃ.૯૪ લાખ ગૂમાવ્યા હોવાની ફરિયાદ થઇ હતી.જ્યારે તે પહેલાં એક નિવૃત્ત પ્રોફેસરે બેન્ક સાથે જોડેલો મોબાઇલ નંબર બંધ કર્યો હોવા છતાં જાણ નહિં કરતાં ૪૭ લાખ તેમજ તે પહેલાં એક વકીલનો મોબાઇલ હેક કરી ઠગોએ રૃ.૨૯ લાખ ટ્રાન્સફર કરી લીધાના બનાવો બન્યા હતા.
રૃ.1 લાખની નીચે રકમ ગૂમાવનાર વ્યક્તિનો શું વાંક,સાયબર
પોલસ સ્ટેશનમાં માત્ર 1 લાખ ઉપરની ઠગાઇના કેસ નોંધાય છે
૧ લાખની ઉપર ઠગાઇ થાય તો જ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લે છે
૧ લાખ કરતાં ઓછી રકમ ગુમાવનારને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની
સાયબર ફ્રોડને કારણે ખાસ સાયબર પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે.પરંતુ આ પોલીસ સ્ટેશનનો લાભ માત્ર રૃ.૧ લાખથી ઉપર રકમ ગુમાવી હોય તેમને જ મળે છે.
સાયબર ફ્રોડના કિસ્સાઓમાં મળેલી સૂચનાઓ મુજબ,સાયબર પોલીસ સ્ટેશનમાં રૃ.૧ લાખથી ઉપર રકમ ગુમાવનારની જ ફરિયાદ લેવામાં આવી રહી છે.સાયબર પોલીસ સ્ટેશનમાં ટ્રેઇન્ડ સ્ટાફ અને એડવાન્સ સાધનો હોય છે.તેઓ નિષ્ણાંતોના પણ સંપર્કમાં રહી મદદ લેતા હોય છે.
પરંતુ ૧ લાખથી ઓછી રકમ ગુમાવનારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની હોય છે.પરંતુ ત્યાં કોઇ ટ્રેઇન્ડ સ્ટાફ હોતો નથી કે સાધનો પણ હોતા નથી.જેથી ઓછી રકમ ગુમાવનારાઓને ન્યાય મળતો નથી.