Get The App

વોટસએપ પર યુપી પોલીસનો બોગસ લેટર મોકલીને પૈસા પડાવવાનો પ્રયાસ

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
વોટસએપ પર યુપી પોલીસનો બોગસ લેટર મોકલીને પૈસા પડાવવાનો પ્રયાસ 1 - image

વડોદરાઃ લોકો પાસે પૈસા ખંખેરવા માટે સાઈબર ક્રાઈમ માફિયા અલગ અલગ હથકંડા અપનાવી રહ્યા છે.આજકાલ લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવવાના કિસ્સાઓ ચર્ચામાં છે ત્યારે હવે સાઈબર ક્રાઈમ કરનારાઓએ વોટસએપ પર પોલીસનો બોગસ દસ્તાવેજ મોકલીને લોકોને ઠગવાના પ્રયાસો શરુ કર્યા છે.

વાઘોડિયા રોડ પર રહેતા અને કોલેજમાં એક વિદ્યાર્થીને તાજેતરમાં જ વોટસએપ પર દંડ ભરવા માટે યુપી પોલીસના નામથી બોગસ લેટર મોકલવામાં આવ્યો હતો..આ લેટરમાં વિદ્યાર્થીનો નંબર અને નામ લખેલું હતું અને વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી હતી કે, તમે મેટ્રીમોનિયલ સાઈટ થકી મહિલા સાથે દોસ્તી કરીને તેના પ્રાઈવેટ ફોટો અને વિડિયો મંગાવ્યા છે.સાઈબર ક્રાઈમ અને આઈટીના કાયદા હેઠળ તમારી સામે ગુનો નોંધાશે અને ગુનો સાબિત થશે તો ત્રણ વર્ષની જેલ અથવા એક લાખનો દંડ કે પછી બંને પ્રકારની સજા થઈ શકે છે.બોગસ લેટરહેડ પર દંડની ૧૨૬૯૦ રુપિયાની રકમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.લેટર પર યુપી પોલીસ અને ભારત સરકારનું રાજચિન્હ પણ હતું.

વોટસએપ પર આ લેટર મોકલનાર વ્યક્તિએ વિદ્યાર્થીને ફોન પર ધમકાવીને પૈસાની ઉઘરાણી શરુ કરી હતી.વિદ્યાર્થીના  માતા પિતાના ધ્યાનમાં જોકે તરત આ વાત આવી ગઈ હતી અને તેમણે આ નંબર બ્લોક કરી દીધો હતો.નહીંતર ઠગ ટોળકી બેન્ક એકાઉન્ટની ડિટેલ લઈને હજારો રુપિયાનો ચૂનો લગાવતય

આ કિસ્સાએ દર્શાવ્યું છે કે,  પોલીસ કરતા સાઈબર ક્રાઈમ કરનારાઓ એક ડગલું આગળ ચાલી રહ્યા છે.પૈસા પડાવવા માટે અલગ અલગ રસ્તા અપનાવતા માફિયાઓને લઈને પોલીસ લોકોને સાવચેત કરે છે તો તેઓ લોકોને ઠગવા માટે નવો રસ્તો શોધી નાંખે છે.

લોકોના નામ અને નંબરો સાઈબર માફિયાઓ સુધી કેવી રીતે પહોંચે છે?

લોકોનો ડેટા સાઈબર ક્રાઈમ માફિયાઓ સુધી આસાનીથી પહોંચી જાય છે અને આ માફિયાઓ લોકોનો તેમના નામ સાથે જ સંપર્ક કરતા હોવાથી લોકો વધારે ગભરાઈ જાય છે.શહેરના સાઈબર ક્રાઈમ એક્સપર્ટ મયુર ભુસાવળકરનું કહેવું છે કે, સાઈબર ક્રાઈમ કરનારી ટોળકીઓ કોલર આઈડી એપનો ઉપયોગ કરીને તેઓ ડેટા મેળવે છે.સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે વસ્તુઓ વેચવાની પોસ્ટ મુકીને લોકોને આકર્ષવામાં આવે છે અને તેમની પાસે ફોર્મ ભરાવાય છે.સોશિયલ મીડિયા પર સ્પોન્સર એડ મુકીને પણ ડેટા એકઠો કરાય છે.ડાર્ક વેબ પર અલગ અલગ કંપનીઓના ગ્રાહકોનો ડેટા વેચાતો હોય છે.જે પણ સાઈબર માફિયાઓ સુધી પહોંચી શકે છે.મોબાઈલ યુઝર્સને એપીકે ફાઈલ મોકલીને તેના માધ્યમથી પણ યુઝરના વોટસએપ કોન્ટેક્ટ નંબરો મેળવી લેવામાં આવે છે.


Google NewsGoogle News