ઓનલાઇન ઠગોનો કરોડોનો કારોબાર,ફ્રોડના બનાવોએ માઝા મૂકતા સાયબર સેલ એક્શનમાં, જાગૃતિ અભિયાન
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇના કેસોએ માઝા મૂકતા સાયબર સેલ એક્શનમાં આવ્યો છે અને ફ્રોડથી બચવા શું કરવું અને શું ન કરવું તે માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે.
ઓનલાઇન ઠગોનો કરોડોનો કારોબાર ચાલતો હોવાથી અને લોકો આસાનીથી તેમની ચુંગાલમાં ફસાઇ જતા હોવાથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે વીડિયો મારફતે જાહેર જનતાને અપીલ કરી કેટલાક મહત્વના સૂચનો કર્યા છે.તો બીજીબાજુ સાયબર સેલ દ્વારા પણ સેમિનાર અને જનસંપર્ક અભિયાન દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.
સાયબર સેલના અધિકારીઓએ કહ્યું છે કે,સાયબર ફ્રોડથી બચવું આપણા હાથની વાત છે.આ માટે કોમ્પ્યુટરમાં સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઇએ અને તેમાં સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવો જોઇએ.બને ત્યાં સુધી બર્થ ડે, નામ કે શહેરના નામ પરથી પાસવર્ડ નહિં રાખવા જોઇએ.
આ ઉપરાંત ક્યૂઆર સ્કેનથી પેમેન્ટમાં ખૂબ જ સાવચેતી રાખવી જરૃરી છે. ઓનલાઇન બેન્ક એકાઉન્ટના અલગ અલગ પાસવર્ડ રાખવા જોઇએ.કોઇને પણ એટીએમ કાર્ડની પાછળનો સીવીવી નંબર કે ઓટીપી આપવો નહિં.બેન્ક દ્વારા ક્યારે પણ મોબાઇલ પર માહિતી માંગવામાં આવતી નથી.અજાણી લિન્કથી બચવું જોઇએ.લોટરીના કોલ કે એસએમએસમાં રસ લેવો નહિં.જ્યારે, અજાણ્યા વીડિયો કોલ પર વાત કરતાં,અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ અને લિન્ક પરથી એપ ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઇએ.