Get The App

વડોદરામાં કાશી વિશ્વનાથ તળાવમાં જંગલી વનસ્પતિનો ત્રાસ ફેલાતા વીડ કટર મશીન મૂકી વનસ્પતિની કટાઈ શરૂ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
વડોદરામાં કાશી વિશ્વનાથ તળાવમાં જંગલી વનસ્પતિનો ત્રાસ ફેલાતા વીડ કટર મશીન મૂકી વનસ્પતિની કટાઈ શરૂ 1 - image


- તળાવમાં ગટરના પાણી છોડાતા હોવાથી જંગલી વનસ્પતિ જલ્દી ફેલાય છે 

- લાલબાગ તળાવમાં પણ સફાઈ કરાવાશે

વડોદરા,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરાના વોર્ડ નંબર 13 વિસ્તારમાં સમાવિષ્ટ કાશી વિશ્વનાથ તળાવની અંદર જંગલી વનસ્પતિનો ઉપદ્રવ વધી જતા કોર્પોરેશન દ્વારા આ જ સવારથી વીડ કટર મશીન તળાવમાં ઉતારવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ તળાવની અંદર ડ્રેનેજના પાણી ખુલ્લેઆમ છોડવામાં આવે છે, અને વારે ઘડીએ તળાવનું લેવલ પણ ગંદા પાણીને લીધે ભરાઈ જાય છે. ગટરના પાણી છોડવામાં આવતા હોવાના કારણે જંગલી વનસ્પતિનો ઉપદ્રવ પણ ઝડપથી વકરે છે ,અને ગંદકી ખૂબ ફેલાતી રહે છે. આ તળાવમાં દર વખતે જંગલી વનસ્પતિ નો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે અને તેના કારણે ગંદકી ફેલાતા જીવજંતુ અને મચ્છરોનો પણ વકરે છે.

વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ બે ત્રણ દિવસ સુધી સફાઈનો આવો દેખાડો કરવામાં આવશે, ત્યારબાદ ફરી અગાઉ હતું તેવું થઈ જશે. ખરેખર આવું ન હોવું જોઈએ. કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી છે કે આ તળાવની અંદર ગટરનું પાણી છોડવાનું બંધ કરો. ગટરનું પાણી બંધ થાય તો જ જંગલી વનસ્પતિનો ઉપદ્રવ નાબૂદ થશે. આ તળાવની બાજુમાં આવેલા લાલબાગ તળાવની હાલત પણ આવી જ છે. લાલબાગ તળાવમાં પણ ગટરના પાણી ભરાતા હોવાથી ત્યાં પણ જંગલી વનસ્પતિનો ઉપદ્રવ અને લીલ જામી ગઈ છે. આ તળાવમાં પણ કટર મશીન મૂકીને સફાઈ કરાવાશે.


Google NewsGoogle News