ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી નર્મદા ડેમનો હાલ ૧ ગેટ ૧.૭૦ મીટર ખુલ્લો રખાયો
નદીમાં ૫૨૪૧૩ ક્યુસેક પાણીની જાવક ૯૪ ટકાથી વધુ ડેમ ભરાઈ ગયો છે
રાજપીપળા,ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની પાણીની સપાટી આજે સાંજે ગઈકાલની સરખામણીએ થોડી ઘટીને ૧૩૭.૦૮ મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટર છે અને હાલ જે સપાટી છે, તે જોતા ડેમ સંપૂર્ણ ભરાવા આડે હજી ૧.૬૦ મીટર છેટું છે.
અત્યાર સુધી ડેમના ૧૫ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને તેમાંથી વિપુલ જળરાશિ નર્મદા નદીમાં ઠલવાતી હતી, પરંતુ આજે ડેમનો માત્ર ૧ જ ગેટ ૧.૭૦ મેટર ખુલ્લો રાખવામાં આવ્યો છે. બીજી બાજુ ડેમની ઉપરવાસમાંથી પાણી આવકમાં ધરખમ ઘટાડો થયો છે. હાલ ૭૫૦૭૮ ક્યુસેક આવક થઈ રહી છે.
જેની સામે નદીમાં કુલ ૫૨૪૧૩ ક્યુસેક જાવક છે. ડેમના ગેટમાંથી ૧૦ હજાર ક્યુસેક અને પાવર હાઉસમાંથી ૪૨૪૧૩ ક્યુસેક પાણી નદીમાં ઠલવાય છે. સરદાર સરોવરમાં પાણીનો સ્ટોરેજ જથ્થો ૮૯૨૦ મિલિયન ક્યુબિક મીટર થયો છે. ડેમ ૯૪ ટકાથી વધુ ભરાઈ ગયો છે. ગયા વર્ષે ડેમ સપ્ટેમ્બરમાં ભરાઈ ગયો હતો.