52 દેશોના 568 વિદ્યાર્થીઓની કલ્ચરલ પરેડ, આફ્રિકન ડાન્સ સાથે ગરબાની રમઝટ જામી
વડોદરા,તા.20 ડિસેમ્બર 2022,મંગળવાર
એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. જેના પગલે હવે તેમના માટે વિવિધ કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
ગયા વર્ષે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો અને હવે તેમના માટે સોમવારે કલ્ચરલ પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 52 દેશોના 582 વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના દેશની સંસ્કૃતિની ઝલક સ્ટેજ પરથી રજૂ કરી હતી.
સાથે સાથે ભારતીય વિદ્યાર્થીઓનુ એક ગ્રુપ પણ કાર્યક્રમમાં સામેલ થયુ હતુ. જેમણે વિદેશી વિદ્યાર્થીઓના ડાન્સની સામે ગરબાની રમઝટ બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વધુ 168 વિદેશી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ અપાયો છે. ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલનુ કહેવુ છે કે, વિદેશી વિદ્યાર્થીઓ પણ એક બીજાના દેશના કલ્ચરને ઓળખતા થાય તે માટે આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.
તેમના મતે વિદેશી વિદ્યાર્થીઓ પૈકી સૌથી વધારે વિદ્યાર્થીઓ સાયન્સ અને આર્ટસ ફેકલ્ટીમાં છે. કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 80 ટકા આફ્રિકાના દે્શોના છે. આફ્રિકાના વિદ્યાર્થીઓનો ઝુકાવ સાયકોલોજી અને ઈકોનોમિક્સ તરફ વધારે હોય છે.
જયારે શ્રીલંકા અને ભૂતાન તેમજ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટસ તથા ફાઈન આર્ટસનો અભ્યાસ કરવાનુ વધુ પસંદ કરી રહ્યા છે. નેપાળના વિદ્યાર્થીઓ ફાર્મસી ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ લેતા હોય છે.
વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ભણવામાં મદદ કરતી સરકારની સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સની સાથે જોડાણની સાથે સાથે યુનિવર્સિટીએ હવે સ્ટડી ઈન ઈન્ડિયા નામનો પ્રોગ્રામ પણ શરુ કર્યો હોવાથી આગામી શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.