મકાઇની ખેતીની આડમાં ગાંજાના છોડનું પણ વાવેતર ઝડપાયું
રૃા.૫.૪૭ લાખના ગાંજાના ૩૩ છોડ સાથે નિવૃત્ત બસ કંડક્ટરની અટકાયત
શહેરા તા.૧૭ શહેરા તાલુકાના બોરીયા ગામે ખેતરમાં મકાઇની ખેતીની આડમાં ગાંજાની પણ ખેતી કરનારા નિવૃત્ત બસ કંડકટરને પોલીસે ઝડપી પાડયો હતો.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયા ગામે આવેલ ગરાડીયા ફળિયામાં રહેતા નિવૃત્ત બસ કંડકટર શંકર માવજીભાઈ ડોડીયાર દ્વારા તેમના રહેણાંક મકાન પાસે આવેલ ખેતરમાં મકાઈના પાક વચ્ચે ગાંજાનું વાવેતર પણ કરવામાં આવ્યું હોવાની બાતમી પંચમહાલ એસઓજીને મળતાં પોલીસે શંકર ડોડીયારના ખેતરમાં તપાસ હાથ ધરતા ખેતરમાં મકાઈના સુકાઈ ગયેલા પાકની વચ્ચે લીલા ગાંજાના છોડ ઉગાડેલા મળ્યા હતા.
એફએસએલની મદદ બાદ ખેતરમાં ઉગાડેલા લીલા ગાંજાના ૩૩ જેટલા છોડને કબ્જે લઈ તેનું વજન કરાવતા ૫૪.૭૨ કિલોગ્રામ જથ્થો જણાયો હતો. રૃા.૫.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કરી તેનું વાવેતર કરનાર ખેડૂત અને નિવૃત્ત બસ કંડકટર શંકર માવજીભાઈ ડોડીયારને હસ્તગત કરી શહેરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.