Get The App

નવાબજારમાં અકસ્માતના મુદ્દે બંને કોમના ટોળાઓ આમને સામને આવી જતા તંગદિલી

ટેબલ ખુરશીઓની તોડફોડ ઃ એક યુવકને માથામાં ધારદાર હથિયાર મારતા લોહી લુહાણ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
નવાબજારમાં અકસ્માતના મુદ્દે બંને કોમના ટોળાઓ આમને સામને આવી જતા તંગદિલી 1 - image

વડોદરા,નવાબજારમાં સામાન્ય અકસ્માતના મુદ્દે ઝઘડો થતા બંને કોમના ટોળાઓ સામસામે આવી ગયા  હતા. બંને જૂથ વચ્ચે મારામારી થતા મામલો તંગ બન્યો હતો. હુમલામાં ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી. મામલો વધુ ઉગ્ર બને તે  પહેલા જ પોલીસ દોડી ગઇ  હતી અને ટોળાને વિખેરી નાંખ્યા  હતા.સિટિ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી આઠ આરોપીઓને ઝડપી પાડયા છે.

કાલુપુરામાં રહેતો વ્રજેશ કનુભાઈ પરમાર ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. સિટિ  પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે મારા મિત્ર રોનક પવારની બર્થ ડે હોવાથી  હું તથા મારા મિત્રો આકાશ વાઘ, સગીર અને રોનક પવાર સાંજે પાંચ  વાગ્યે બર્થડે નો સામાન લેવા માટે નીકળ્યા હતા. સામાન લઈને સાડા છ વાગ્યે  અમે પરત આવતા હતા તે સમયે મરાઠી મહોલ્લાના નાકા ત્રણ રસ્તા પાસે હનિફ શેખે તેની બાઇક અચાનક બ્રેક મારીને ઉભી રાખી દેતા તેની પાછળ બીજી બાઈક અથડાઇ હતી. તે બીજી બાઇક સાથે અમારી બાઇક પણ અથડાઈ હતી. જેથી, મારી બાઇક હનિફની બાઇકની સામે ઊભી કરી કઈ નુકસાન થયું છે કે નહીં  ? તે હું ચેક કરતો હતો . અમે હનિફને  કહ્યું કે, કાકા આમ કેમ તમે અચાનક બાઈક રોડ પર ઉભી રાખી દીધી? મારી વાત સાંભળીને તેઓ ગાળો બોલવા લાગ્યા હતા તેઓ  નજીકમાં રહેતા હોઇ  તેમના સંબંધીઓ તોફિક, અનવર , ફરીદ, માજીદ હુસેન અને અન્ય બે મહિલાઓ સહિત ૧૦ થી ૧૫ માણસો આવી ગયા હતા.  એક મહિલાએ મને લાફો મારી દીધો હતો મારા મિત્રો તેઓને કહેવા જતા માજીદે  તેને પણ માર માર્યો હતો. હનિફે  રોનક પવારના માથામાં ધારદાર હથિયાર મારી દેતા તે  લોહીલુહાણ થઇ  ગયો હતો.  દરમિયાન પોલીસ આવી જતા રોનકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યારે સામા પક્ષે મોહમ્મદ ફરીદ શેખે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા પાડોશમાં રહેતા કાકા ના દીકરાના ઘરે નિયાઝ હોવાથી બહારથી સગા સંબંધીઓ આવ્યા હતા. મારા કાકાનો દીકરો મોહમ્મદ હનિફ  બાઈક લઈને આવતો હતો. ત્યારે તેણે બ્રેક મારતા તેની પાછળ બાઈક લઇને આવતા વ્રજેશે તેની બાઈક પાછળથી અથાડી હતી. તે ગાળા ગાળી કરવા લાગ્યો હતો અને તેના ત્રણ ચાર મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા. વ્રજેશ, આકાશ તથા રોનક પવારે મારામારી શરૃ કરી હતી અને મહોલ્લા ના બીજા માણસોને બૂમો પાડી ભેગા કરી અમને મારવા દોડી આવ્યા હતા. આ લોકોએ નિયાઝમાં ગોઠવેલા ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી. ખુરશીના તૂટેલા ટુકડામાંથી પ્લાસ્ટિક નો પાયો લઈને હુમલો કર્યો હતો. પોલીસની ગાડી આવી જતા બધા ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલામાં મારા દીકરાને હાથે ઈજા  થઈ હતી. ડી.સી.પી. પન્ના મોમાયા તથા એ.સી.પી. એમ.પી. ભોજાણીની સૂચના મુજબ પી.આઇ. આર.બી. ચૌહાણે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News