વીજળીના ધાંધીયાથી અકળાયેલા લોકો મધરાતે અધિકારીઓના ઘરે પહોંચી ગયા

Updated: May 16th, 2024


Google NewsGoogle News
વીજળીના ધાંધીયાથી અકળાયેલા લોકો મધરાતે  અધિકારીઓના ઘરે પહોંચી ગયા 1 - image

વડોદરાઃ સ્માર્ટ વીજ મીટરો સામે થઈ રહેલા વિરોધ વચ્ચે વડોદરામાં લોકોને કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં પણ મધ્ય ગુજરાત વીજ કંપની ધાંધિયા કરી રહી છે.સ્માર્ટ મીટર લગાડવાની લ્હાયમાં કદાચ અધિકારીઓ વીજ સપ્લાય પણ ચાલુ રાખવાનો છે તે વાત ભુલી ગયા છે.

તાંદલજા વિસ્તારમાં ત્રણ દિવસથી વીજ સપ્લાય ખોરવાઈ રહ્યો હોવાના કારણે રોષે ભરાયેલા લોકો અકોટાની વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી લોકોનુ ટોળુ જીઈબી કોલોનીમાં રહેતા અધિકારીઓના ઘર સુધી પહોંચી જતા બુધવારની મધરાતે દોડધામ મચી ગઈ હતી.અકોટા વીજ કચેરી ખાતે લોકોને યોગ્ય જવાબ મળ્યો નહોતો.બીજી તરફ જુનિયર અધિકારીઓએ કરેલા ફોન સિનિયર અધિકારીઓએ ઉપાડયા નહોતા.લોકોનો આક્ષેપ છે કે, યોગ્ય જવાબ નહીં મળ્યો હોવાના કારણે અમારે જીઈબી કોલોની સુધી જવાની ફરજ પડી હતી.

બીજી તરફ લોકોના ટોળા પહોંચ્યા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને કોઈ અનિચ્છિનિય ઘટના ના બને તે માટે જીઈબી કોલોનીમાં પણ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. મધરાતે બે વાગ્યે થયેલા હોબાળાએ જીઈબી કોલોનીમાં રહેતા લોકોને પણ ઉંઘમાંથી જગાડી દીધા હતા.

લોકોએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં વર્તમાન સરકાર નિષ્ફળ ગઈ છે અને જો હવે નરેન્દ્ર મોદી પોતે જ ગુજરાતમાં શાસન સંભાળે તો જ ફરી ગુજરાતનો વિકાસ થઈ શકે તેવુ લાગે છે.

જેટકોના સબ સ્ટેશનનું ટ્રાન્સફોર્મર ખોટકાતા

વાઘોડિયા રોડના હજારો ઘરોમાં મધરાતે વીજળીના ધાંધીયા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારના લોકોને પણ બુધવારની રાત્રે વારંવાર વીજળી ગુલ થવાના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે પાણીગેટ સબ ડિવિઝનના ફીડરો પર વીજ પુરવઠો પુરો પાડતા જેટકોના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલા સબ સ્ટેશનના ત્રણ ટ્રાન્સફોર્મરોમાંથી એક ટ્રાન્સફોર્મર વધારે પડતા વીજ લોડના કારણે ખોટકાયુ હતુ અને તેના કારણે બે ટ્રાન્સફોર્મરો પરનુ ભારણ વધી ગયુ હતુ.

જેના કારણે હજારો લોકોના ઘરોમાં દર પાંચ થી દસ મિનિટે વીજ પ્રવાહ ચાલુ થયા બાદ ફરી ખોરવાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.ઘણા લોકોએ  ડરથી પોતાના એસી સહિતના વીજ ઉપકરણો પણ બંધ કરી દીધા હતા.લોકોએ તેને લઈને ભારે ફરિયાદોનો મારો પણ ચલાવ્યો હતો.બગડેલુ ટ્રાન્સફોર્મર આખી રાતની મથામણ બાદ પણ રીપેર થયુ નહોતુ.આ ટ્રાન્સફોર્મર રીપેર કરવાની કામગીરી સવારે પણ ચાલુ રહી હતી.

જોકે રાત્રે બે વાગ્યા બાદ વીજ માંગ ઓછી થવાના કારણે લાઈટો ચાલુ બંધ થવાનુ અટકયુ હતુ પણ લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી હતી.


Google NewsGoogle News