ઊનના ગૂંથણની કલા તણાવ દૂર કરે છે અને મૂડ સારો રાખે છે
વડોદરાઃ ઊનના ગૂંથણની કલા વર્ષોથી પ્રચલિત છે.જેને ક્રોશે આર્ટ પણ કહેવામાં આવે છે.મહિલાઓ ઊનનુ ગૂંથણ કરીને સ્વેટર, મફલર કે ટોપી બનાવતી રહે છે.જોકે હવે વ્યસ્ત સમયમાં આ હસ્તકલાનુ પ્રચલન ઓછુ થઈ રહ્યુ છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થિનીએ તેના પર કરેલા રિસર્ચના તારણો ધ્યાન ખેંચે એવા છે.
ફેકલ્ટીના ક્લોધિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગની વિદ્યાર્થિની અભિલાષા મુકુલે પોતાના ગાઈડ ડો.રીના ભાટિયાના માર્ગદર્શન હેઠળ ક્રોશે આર્ટનો ઉયોગ કરતી ૬૦ જેટલી મહિલાઓનો એક સર્વે હાથ ધર્યો હતો અને તેની પાછળનો હેતુ ક્રોશે આર્ટના કારણે તેમને કયા પ્રકારનો ફાયદો થાય છે તે જાણવાનો હતો.
વિદ્યાર્થિનીનુ કહેવુ છે કે, આમ તો આ હસ્તકલા બહુ જૂની છે અને તે હવે વિસરાઈ રહી છે પણ વ્યસ્ત અને ભાગદોડવાળી જીવનશૈલીના કારણે સર્જાતા તણાવને દૂર કરવા માટે આ કલા થેરાપીનુ કામ કરે છે.સર્વેના ભાગરુપે જેટલી મહિલાઓની સાથે વાતચીત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની મહિલાઓએ કહ્યુ હતુ, ઊનના ગૂંથણના કારણે મનને શાંત કરવામાં મદદ મળે છે અને આ કામ જ્યારે કરતા હોઈએ છે ત્યારે તમામ ચિંતાઓને ભૂલી જવાય છે.
વિદ્યાર્થિની અભિલાષા પોતે પણ ક્રોશે આર્ટ શીખી છે અને તે કહે છે કે. જ્યારે હું ક્રોશે આર્ટ શીખી રહી હતી ત્યારે મને તેની હકારાત્મક અસર અનુભવાઈ હતી અને તે સમયે મને વિચાર આવ્યો હતો કે, માનસિક સ્વાસ્થ્ય પર તેની અસરો અંગે જાણવુ જોઈએ અને તેના કારણે મેં આ રિસર્ચ કર્યુ હતુ.સર્વેમાં મને ક્રોશે આર્ટ સાથે સંકળાયેલી મહિલાઓએ કહ્યુ હતુ કે, ઊનના ગૂંથણથી અમારો મૂડ સારો રહેતો હતો, તણાવ ઘટતો હોય તેમ લાગતુ હતુ અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા પણ વધી હતી.
અભિલાષાએ માનસિક અસરોની ચકાસણી કરવા માટે એમ.એસ.યુનિવર્સિટી અને પૂણે યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના નિષ્ણાતોને મળી હતી અને તેમની સલાહ પ્રમાણેનુ મોડેલ અમલમાં મુકીને ક્રોશે આર્ટની માનસિક અસરોનો અભ્યાસ કર્યો હતો.તેણે આ પ્રોજેકટના ભાગરુપે પોતાના જ વિભાગની અન્ય ૬ વિદ્યાર્થિનીઓને પણ ક્રોશે આર્ટ શીખવાડી છે.