ઢાબામાં તોડફોડ-મારામારીની ઘટનામાં માલિક સહિત સાત સામે પણ ગુનો

Updated: May 26th, 2024


Google NewsGoogle News
ઢાબામાં તોડફોડ-મારામારીની ઘટનામાં માલિક સહિત સાત સામે પણ ગુનો 1 - image


ગાંધીનગરના સેક્ટર-૩૦ પ્રેસ સર્કલ પાસે આવેલા

બિલ મુદ્દે થયેલી માથાકૂટમાં છરી વડે હુમલો કરતા ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૩૦ સર્કલ પાસે શુક્રવારની રાત્રે બિલ મુદ્દે થયેલી માથાકૂટમાં પેથાપુરના સાત યુવાનોએ તોડફોડ કર્યા અંગે ફરિયાદ થઈ હતી ત્યારે સામે પક્ષે હવે પેથાપુરના યુવાને ઢાબાના માલિક સહિત સાત વ્યક્તિઓએ હુમલો કરીને છરીથી માર મારતા ઇજા પહોંચી હોવા અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 પેથાપુરમાં રહેતા પ્રકાશ ઉર્ફે હિતેશ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેની સાથેના મિત્રો ભૂરો પઠાણ, સલમાન બેલીમ, જીગર ઠાકોર સાથે સેક્ટર ૩૦ના સરકારી પ્રેસ પાસે આવેલા દેશી અડ્ડા નામના નોનવેજના ઢાબા ઉપર જમવા માટે ગયા હતા. જ્યાં જમ્યા બાદ ત્યાં ઉભેલા કારીગરને પ્રકાશે બે થી ત્રણ વખત જમવાનું બિલ લઈ આવવા માટે કહ્યું હતું. આ દરમિયાન કારીગર એકદમ ઉશ્કેરાઈને ગાળ બોલી પ્રકાશને જાતે ઊભો થઈ શેઠને બિલ આપી આપવા કહેવા લાગ્યો હતો. જેથી તેના મિત્ર ભૂરા પઠાણે ગાળો કેમ બોલે છે કહેતા જ કારીગરે તેને લાફો ઝીંકી દીધો હતો અને કારીગરનું ઉપરાણું લઈને ઢાબાનાં ભાગીદાર સલીમ સિપાઈ તેમજ યાસીન મન્સુરી બીજા ત્રણ કારીગરો ત્યાં પહોંચી ગયા હતા. બાદમાં કારીગરને લાફો કેમ માર્યો કહીને ચારેય મિત્રોને ખુરશીઓ મારી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.જેનાં પગલે પ્રકાશ ગાડીમાંથી ધોકો લેવા માટે જતા સલીમે પાછળ જઈને છરી વડે હુમલો કર્યો હતો.

જેનાં લીધે માથામાં અને હાથના ભાગે છરી વાગતા પ્રકાશ નીચે પડી જતા બધા ભેગા થઈ ગયા હતા. બાદમાં ચારેય મિત્રોને ફરીથી ઢાબા ઉપર જમવા આવશો કે ગમે ત્યાં દેખાશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ત્યારે ગંભીર ઘાયલ થયેલા પ્રકાશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ઈજાગ્રસ્ત યાસીનભાઇ મન્સુરીના ભાઈ યુનુસ મન્સુરીએ પણ પ્રકાશને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ હુમલામાં પ્રકાશને નવ ટાંકા લેવાની ફરજ પડી હતી. આ અંગે સેકટર - ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News