Get The App

ગૌ સેવા સંસ્થાના નામે દાનની ઉઘરાણી કરતા બે સામે ગુનો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ગૌ સેવા સંસ્થાના નામે દાનની ઉઘરાણી કરતા બે સામે ગુનો 1 - image


રૃપાલ આમજા રોડ ઉપર આવેલી

પાવતી બુક બનાવીને સરગાસણ પહોંચ્યા અને ભાંડો ફૂટયો : પેથાપુર પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક રુપાલ આમજા રોડ ઉપર આવેલી ગૌ સેવા સંસ્થાના નામે પાવતી બુક બનાવીને ઉઘરાણું કરતા બે ગઠિયાઓનો ભાંડો ફૂટી ગયો હતો જેથી આ મામલે સંસ્થા ચલાવતા વાસણીયા મહાદેવ મંદિરના પૂજારીએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આ ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના વાસણીયા મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતાં પ્રશાંતકુમાર ભાનુપ્રસાદ શુક્લ રૃપાલ આમજા રોડ ઉપર જનની ગૌ સેવા સંસ્થાન ચલાવી બીમાર અને અકસ્માતગસ્ત ગાયો ઉપરાંતના અબોલ જીવોની સેવા પણ કરે છે. તેમણે પેથાપુર પોલીસમાં ફરિયાદ આપી હતી કે, હાલમાં તેમની સંસ્થામાં ૭૫૦ જેટલા અલગ અલગ જીવોની સેવા ચાકરી કરવામાં આવી રહી છે. ગૌ સેવા માટે સંસ્થા તરફથી કોઈપણ જાતનાં દાનની રકમ લેવામાં આવતી નથી. અને સંસ્થાની કોઈ પણ જાતની દાન પાવતી બુકલેટ પણ છપાવવામાં આવી નથી. ત્યારે ગત તા. ૧૩ નવેમ્બરનાં રોજ પૂજારી પ્રશાંતકુમાર સંસ્થા પર હાજર હતા. તે વખતે કોલવડાનાં તેમના મિત્ર જગદીશસિંહ વાઘેલાએ ફોન કરીને પૂછયું હતું કે, તમોએ દાન લેવાનું ચાલુ કર્યુ ? જે બાબતે સંસ્થા તરફથી કોઈ દાન લેવામાં નથી આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું.  ત્યારે જગદીશસિંહે કહ્યું હતું કે, મારી સરગાસણની ઓફિસે બે શખ્સો જનની ગૌ સેવા સંસ્થાની પાવતી બુક લઈને આવીને દાન માંગી રહ્યા છે. જેથી પ્રશાંતકુમારે બે શખ્સો પૈકી એક સાથે ટેલીફોનીક વાતચીત કરતાં તેણે પોતાનું નામ રવિ પટેલ હોવાનું કહી જનની ગૌ સેવા સંસ્થામાં કામ કરતા હોવાનો દાવો કર્યો હતો. જેથી જગદીશસિંહને બંને ઈસમોને બેસાડી રાખવાની વાત કરી તેઓ સરગાસણ આવવાં માટે રવાના થયા હતા. જો કે, તેઓ પહોંચે એ પહેલાં બંને શખ્સો પાવતી બુક મૂકીને નાસી ગયા હતા. હાલ આ સંદર્ભ પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News