આણંદ પાલિકાની દબાણ ટીમ પર હુમલાની ઘટનામાં 2 વિરૃદ્ધ ગુનો
ફરજમાં રૃકાવટ કરી હોવાની ફરિયાદ
કર્મચારીને અપશબ્દો બોલી કમર પટ્ટાથી માર મારી પાલિકાના ચીફ ઓફિસરને ધક્કે ચઢાવ્યા
આણંદ : આણંદ વિદ્યાનગર રોડ ઉપર ગઈકાલ સાજે આણંદ નગરપાલિકાની દબાણ હટાવો ટીમ ઉપર હુમલો કરવાના બનાવમાં આણંદ શહેર પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ નગરપાલિકાની દબાણ હટાવો ટીમ દ્વારા ગઈકાલે બપોર બાદ શહેરના ટાઉનહોલથી વિદ્યાનગર રોડ તરફ રોડની આસપાસમાં ખડકાયેલા કાચા- પાકા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ટાઉનહોલ નજીક દબાણો હટાવ્યા બાદ ધીમે ધીમે પાલિકાની ટીમ આગળ વધી હતી અને આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ નજીક પહોંચતા જ ફૈયાઝ ઉર્ફ ડેની ફિરોજખાન પઠાણ ત્યાં આવી પહોંચ્યો હતો અને અમારા માણસોને કેમ હેરાન કરો છો તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું. જેથી પાલિકાના કર્મચારી ભાવેશભાઈ ઉર્ફે દડી ભીખુભાઈ પટેલે અપશબ્દો બોલવાની ના પાડતા ફૈયાઝે ઉશ્કેરાઈ જઈ કમરપટ્ટો કાઢી મારવાનું શરૃ કર્યું હતું. ફૈયાઝે ભાવેશભાઈને પટ્ટાથી માર માર્યો હતો. તેનું ઉપરાણું લઇ આદિલ વ્હોરા પણ આવી ચડયો હતો અને અપશબ્દો બોલી ભાવેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો.
આ બનાવ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલને જાણ થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ફૈયાઝ તથા આદિલ નામના શખ્સોએ તેમને પણ ધક્કે ચડાવી કાયદેસરની ફરજમાં રૃકાવટ કરી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ફૈયાઝ ઉર્ફે ડેની પઠાણ અને આદિલ વ્હોરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.