ગેસ લાઇન બદલવામાં VGLના કોન્ટ્રાકટરના કર્મચારીઓ મકાનમાં આડેધડ તોડફોડ કરતા હોવાની બૂમો
વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર
વડોદરા શહેરભરમાં વર્ષો જૂની ગેસ લાઇન બદલવાની કામગીરી ચાલી રહી છે. વીજીએલ કંપનીનું જણાવવાનું છે કે, ગેસ લાઇન બદલવાથી ગેસ લોસ ઘટી જશે ત્યારે ગેસ કંપનીના કર્મચારીઓ લાઇન બદલવામાં મકાનમાં આડેધડ ખોદકામ કરતાં હોવાની વ્યાપક ઉઠી રહી છે. ખાસ કરીને જ્યાં રો હાઉસ છે ત્યાંની કેટલીક સોસાયટીઓના નાગરિકોનું કહેવું છે કે, આગળથી દેખાય તે પ્રમાણેની લાઈન નાખવાની રહેશે તેવું જણાવી ગેસ કર્મચારીઓ મકાનમાંથી લાઈન આપવા તોડફોડ કરે છે. ત્યારે કેટલીક જગ્યાએ તેઓ મકાનમાં પાછળથી લાઈન નાંખી આપે છે. આમ વીજીએલની બેવડી નીતિની ખૂબ ચર્ચા છે. આના કારણે રહીશોએ મકાનમાં રીપેરીંગ કરાવવાનો ખર્ચ તેઓના માથે આવી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ વીજીએલના કોન્ટ્રાક્ટરો અને ગેસ ધારકો વચ્ચે બોલાચાલીના બનાવો પણ બની રહ્યા છે.
ઉપરાંત નાગરિકોનું જણાવવાનું છે કે, અમે જ્યારે મકાન બનાવી દીધું છે ત્યારે વિજીએલનો સ્ટાફ ગમે ત્યારે આવીને નવી ગેસ લાઇન નાખવાનું કારણ આગળ ધરી મકાનમાં તોડફોડ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, નવી ગેસ લાઇન લેવી ફરજિયાત છે અને જો તમે નહીં લો તો ભવિષ્યમાં ગમે ત્યારે અંડર ગ્રાઉન્ડ જુની ગેસ લાઇનથી સપ્લાય બંધ કરી દેવાનું આયોજન છે. જેથી ગેસધારકે ફરજિયાત નવી લાઈન નખાવી પડી રહી છે. આ અંગે વિજીએલ કંપનીના સુત્રોનું જણાવવું છે કે, અમે ગેસ લાઇન નાખવા માટે પ્રમુખની એનઓસી લઈને કામ કરી રહ્યા છે. વોલમાં હોલ પાડવાથી લઈને નવું કનેક્શનની 10 મીટરની લાઈન (ફીટીંગ સાથે) અને રેગ્યુલેટર અમારા દ્વારા ફ્રી આપવામાં આવી રહ્યા છે. નવા મીટર કનેક્શનના દરેક ગ્રાહક પાસેથી ₹6,000 લેવામાં આવી રહ્યા છે. વીજીએલને એનો ખર્ચ રૂ.18થી 20 હજાર રૂપિયાનો પડી રહ્યો છે.
જૂની ગેસ લાઇન જમા કરાવવાની પ્રક્રિયામાં યોગ્ય મોનિટરિંગ થાય છે?
હાલ વડોદરા શહેરમાં જૂની ગેસ લાઇન બદલવાની કામગીરી ચાલી રહી છે. કંપનીના કર્મચારીઓ જૂની ગેસ લાઇન કાઢી જે નવી ગેસ લાઇન નાખે છે તે બાદ જૂની ગેસ લાઇન તેઓએ જમા કરાવવાની રહે છે. ત્યારે જૂની ગેસ લાઇન હકીકતમાં કેટલી બહાર કાઢવામાં આવી? અને કેટલી જમા લેવાઇ? તેનું યોગ્ય મોન્ટેડિંગ થાય છે કે નહીં? તેવા સવાલો ઉઠ્યા છે. આ મામલે સૂત્રોનું કહેવું છે કે, શહેરના સીટી વિસ્તારમાં જ્યાં ઘણા વર્ષો જૂની ગેસ લાઇન હતી તેને બહાર કાઢી ત્યાં જ નવી લાઈન નાખવી શક્ય નથી. તેથી જુના શહેરી વિસ્તારમાં હયાત જૂની લાઈનની બાજુમાં નવી ગેસ લાઇન નાખવામાં આવી રહી છે. તે લાઈન જમા લઈ શકાય તેમ નથી.