બહુમાળી ભવનમાં નવી બે સબ રજીસ્ટ્રાર કચેરી ઉભી કરાઇઃત્રણ ઝોનમાં વહેંચણી
ગાંધીનગર તાલુકામાં વિકાસ સાથે દસ્તાવેજનું ભારણ વધતા
રેકર્ડ રૃમ,વેેઇટીંગ રૃમ અને સીસીટીવી કેમેરાથી સજ્જ સેન્ટ્રલી એસી કચેરી રૃા.૧.૧૦ કરોડમાં તૈયાર ઃ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણની રાહ
ગાંધીનગર શહેરના સે-૧૧માં જુની કોર્પોરેશન બિલ્ડીંગ એટલે કે, બહુમાળી
ભવન-એમ.એસ. બિલ્ડીંગના પ્રથમ અને બીજા માળે એમ બે સબ રજીસ્ટ્રાર કચેરી તૈયાર
કરવામાં આવી છે. ઝોન વન અને ઝોન ટુની રૃપિયા ૧.૧૦ કરોડના ખર્ચે નવી બનાવવામાં
આવેલી આ બન્ને સબ રજીસ્ટ્રાર કચેરીમાં જુના રેકર્ડ રૃમને અદ્યતન કરવા ઉપરાંત
સેન્ટ્રલી એસી કચેરી બનાવવામાં આવી છે. અહીં વેઇટીંગ એરિયા પણ સુવિધાસભર બનાવવામાં
આવ્યો છે તથા પાર્ટેશન પણ સંપુર્ણ પારદર્શન કાચનું રાખવામાં આવ્યું છે જેથી
કામગીરી ટ્રાન્સ્પરન્ટ રહે.આ ઉપરાંત કર્મચારીઓ અને અરજદારો ઉપર નજર રહે તે માટે
અહીં સીસીટીવી પણ ફિટ કરવામાં આવ્યા છે જેનું મોનીટરીંગ મેઇન કચેરીમાંથી પણ થઇ
શકશે.હાલની સ્થિતિએ ઝોન વન અને ઝોન ટુમાં
બે-બે સબ રજીસ્ટ્રાર છે ત્યારે બહુમાળી ભવનના પ્રથમ અને બીજા માળે
બનાવવામાં આવેલી આ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દરેક ઝોનમાં ત્રણ-ત્રણ સબ રજીસ્ટ્રાર
બેસી શકે તેવી વ્યવસ્થા હાલ રાખવામાં આવી છે.જેથી દિવાળી કે કોઇ સારા મુહુર્તના
દિવસોમાં કે માર્ચ એન્ડિંગ વખતે દસ્તાવેજોની સંખ્યા વધે તો વધારાના સ્લોટ ઓપન
કરવાની સાથે વધારાના સબ રજીસ્ટ્રારને પણ ત્યાં એપોઇન્ટ કરી શકાય.હાલ આ બન્ને
કચેરીઓ લગભગ તૈયાર થઇ ગઇ છે ત્યારે લીફ્ટ અને લોબીનું કામ હાલ ચાલી રહ્યું છે તે
પણ નજીકના ભવિષ્યમાં પુર્ણ થઇ જશે બાદમાં મુખ્યમંત્રી દ્વારા આ બન્ને સબ
રજીસ્ટ્રારની કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે તેમાં જાણવા મળી રહ્યું છે.
કલેક્ટર કચેરીમાં અરજદારોની ભીડ હવે ઘટશે
ગાંધીનગર તાલુકાને દસ્તાવેજની દ્રષ્ટીએ ત્રણ વિભાગ પાડી
દેવામાં આવ્યા છે. ભીડ ઘટવાની સાથે સમયસર દસ્તાવેજો થાય અને સરકારને સ્ટેમ્પ
ડયુટીની આવક થાય તે માટે ગાંધીનગર તાલુકાને ત્રણ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે.
સાબરમતી નદીના પુર્વ વિસ્તારના ગામોને ઝોન થ્રીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ઝોન
વન અને ઝોન ટુમાં નદીથી નગર તરફના વિસ્તારો-ગામોને રાખવામાં આવ્યા છે. હાલ આ
ત્રણેય ઝોનના સબ રજીસ્ટ્રાર કલેક્ટર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં બેસે છે
જેના કારણે અહીં અરજદારો-મિલકતધારકો,
વકિલોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે આગામી દિવસોમાં બહુમાળી ભવનના પ્રથમ અને
બીજા માળે નવી બે સબ રજીસ્ટ્રાર કચેરી બની જશે ત્યાર બાદ ઝોન વન અને ઝોન ટુના
અરજદારોને દસ્તાવેજ માટે બહુમાળી ભવન મોકલવામાં આવશે અને ઝોન થ્રી પુરતી જ કલેક્ટર
કચેરીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થશે જેના કારણેકલેક્ટર કચેરીમાં
અરજદારોની ભીડ ઘટશે.
નદીથી પશ્ચિમ તરફના વિસ્તાર બે અલગ ઝોનમાં જ્યારે પૂર્વના
ગામો ઝોન થ્રીમાં
ગાંધીનગર તાલુકાનો વિસ્તાર ભલે એટલોને એટલો જ હોય પરંતુ
કોર્પોરેશન તથા ગિફ્ટસિટીને કારણે વિકાસ વધ્યો છે એટલુ જ નહીં, તેના કારણે
દસ્તાવેજની સંખ્યા પણ વધી રહી છે ત્યારે કામગીરીની સરળતા માટે તાજેતરમાં ગાંધીનગર
તાલુકાને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં સાબરમતી નદીથી પુર્વ તરફના
ગામોને ઝોન વનમાં રાખવામાં આવ્યા છે જ્યારે નદીથી કોર્પોરેશન તરફના વિસ્તારને અલગ
ઝોનમાં રાખવામાં આવ્યા છે. તેમાં પણ ચ-૦ એટલે કે, એસજી હાઇવેથી ઉત્તર એટલે કે, પેથાપુર,
રાંધેજા તરફને ઝોન-વનમાં જ્યારે એસજી હાઇવેથી સરગાસણ,કુડાસણ, કોબા તરફના
વિસ્તાર-ગામોને ઝોન-ટુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝોન પ્રમાણે હવે દસ્તાવેજ
નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવશે.