બોગસ પાવર ઓફ એટર્ની બનાવી સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળ માટે જમીનનો પડાવી લીધી
image : Freepik
Swaminarayan Temple Land Controversy : વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નં.920, 929 તથા 1055 વાળી જમીનો સ્વામિનારાયણ મંદિર તથા ગુરુકુળના નામે પચાવી પાડવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. બોગસ પુરાવા ઊભા કરી બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે જમીનોમાં શરતફેર કરી જમીનો બિનખેતીલાયક બનાવી વેપાર ધંધા શરૂ કર્યા હોવાની ફરિયાદ જમીનના વારસદારે નોંધાવી છે.
આ અંગેની હકીકત એવી છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના પંથ લોયાધામના શ્રી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ (કંડારી) એ બોગસ પુરાવા ઊભા કરી બનાવટી કુલમુખત્યારનામા (પાવર ઓફ એટર્ની) બનાવી જમીન પચાવી પાડી હોવાનો મામલો સામે આવ્યો છે. ટ્રસ્ટના સ્થાપક ઘનશ્યામ સ્વામી તથા તે સમયના પ્રમુખ પંકજ પટેલએ ગુરુકુલ ચાર રસ્તા ખાતે આવેલ જમીન પચાવી પાડી નંદ પાર્ટી પ્લોટ ઉભો કર્યો છે. તેમજ અન્ય જમીનો સ્વામિનારાયણ મંદિર તથા ગુરુકુળના નામે પચાવી પાડવા બાબતે શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ મેલાભાઈ રાઠોડએ કપૂરાઇ પોલીસ તથા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, સ્વ.મહિજીભાઈ ઝીણાભાઈ રાઠોડની માલિકીની જમીન શહેરના દંતેશ્વર વિસ્તારમાં રેસા સર્વે નંબર બ્લોક નંબર 584/1585/1375 તથા 589 વાળી જમીનો આવેલી છે. તેઓના નિધન બાદ અમે સીધી લીટીના વારસદારોના નામો વારસાઈ હકે જમીનોના રેવન્યુ રેકોર્ડમાં ચઢાવ્યા હતા. યુ.એલ.સી હુકમ મુજબ સરકાર દ્વારા ટીપી ત્રણમાં ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર 849 ,929, 960, 911, 920, 1055, 829, 931,519, 939 પૈકી ફાઇનલ પ્લોટ નંબર 920, 929 તથા 1055 વાળી ત્રણ જમીનો આરોપી દિનેશ પટેલે સ્વ.મહિજીભાઈ રાઠોડની આ જમીનોમાં ખોટા પુરાવા ઉભા કરી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેનો ઉપયોગ જમનાદાસ પટેલ ભેગા મળી કોર્પોરેશનમાંથી બોગસ દસ્તાવેજના આધારે રજા ચિઠ્ઠી મેળવી કલેકટર પાસેથી બિનખેતીની પરવાનગી મેળવી જમીનમાં શરત ફેર કર્યો છે. અને પંકજ પટેલે ખોટા દસ્તાવેજોના આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી અને તે જમીનમાં નિખિલ તલાટી તથા હર્ષ તલાટી નંદ પાર્ટી પ્લોટના નામે વેપાર કરે છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે આરોપીઓ દિનેશ બાબુભાઈ પટેલ (રહે-કલાકુંજ સોસાયટી, કારેલીબાગ ), જમનાદાસ શામળભાઈ પટેલ (સહજાનંદ કોર્પોરેશન ભાગીદાર/રહે-અમિત નગર સોસાયટી, કારેલીબાગ), પંકજભાઈ ઘનશ્યામ પટેલ (હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ/રહે-વાઘોડિયા ડભોઇ રીંગરોડ, ગુરુકુળ ચાર રસ્તા), નિખિલ તલાટી, હર્ષ તલાટી, રાજેશ (રહે-નંદ પાર્ટી પ્લોટ, ગુરુકુળ સર્કલ,વાઘોડિયા ડભોઇ રીંગરોડ) (નંદ પાર્ટી પ્લોટના સંચાલક) વિરુદ્ધ આઇપીસી 406, 420 ,465, 467, 468, 471 તથા 102 બી હેઠળ અરજી આપી છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.