રૃા.૧૩.૬૪ લાખ અકસ્માત વળતર મેળવવા બોગસ પેઢીનામું બનાવ્યું
જરોદના લાકડાના પીઠાના માલિકનું વાહન અકસ્માતમા મોત બાદ વળતર મેળવવા કોર્ટમાં દાવો દાખલ થયો હતો
વડોદરા, તા.28 વાહન અકસ્માતમાં પિતાના મોત બાદ ખોટું પેઢીનામું બનાવી નાનાભાઇએ મોટાભાઇ અને બહેનોને અંધારામાં રાખી કોર્ટમાંથી મંજૂર થયેલ વળતરની રકમ રૃા.૧૩.૬૪ લાખ બારોબાર પડાવી લીધી હતી.
રાજસ્થાનના અલવર જિલ્લામાં બહેરોડ તાલુકાના રીવાલી ગામમાં રહેતા વિષ્ણુદત્ત હરીદત્ત શર્માએ તેના જરોદમાં રહેતાં નાનાભાઇ અશોક તેમજ પેઢીનામામાં સાક્ષી તરીકે સહિ કરનાર વિક્રમસિંહ લક્ષ્મણસિંહ ઠાકોર અને પંકજ ભવાનદાસ પ્રજાપતિ સામે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે ચાર ભાઇ-બહેનો છે. મારા પિતા જરોદ ખાતે અશોક શો મિલ નામનું લાકડાનું પીઠું ધરાવતા હતાં. તા.૨ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ પીઠાના મજૂરો તાજપુરા ખાતે લાકડા લેવા માટે ગયા હતાં.
દરમિયાન એક મજૂરનો ફોન આવતાં મારા પિતા બાઇક લઇને તાજપુરા જવા નીકળ્યા ત્યારે રાત્રે એક લક્ઝરી બસે ટક્કર મારતાં મારા પિતાનું મોત થયું હતું જે અંગે હાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. બાદમાં મારા માતા લક્ષ્મીબેને મોટર એક્સિડન્ટ ટ્રિબ્યૂનલ કોર્ટમાં વળતર મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો. આ કેસ સાવલી કોર્ટમાં ચાલ્યો હતો તે દરમિયાન મારી માતાનું પણ મોત થયું હતું અને બાદમાં તા.૨૦ માર્ચ ૨૦૧૯ના રોજ રૃા.૧૩.૬૪ લાખનું વળતર મંજૂર થયું હતું.
વળતરની આ રકમ મેળવવા માટે મારા નાનાભાઇ અશોકે તેના ઓળખીતા વિક્રમસિંહ અને પંકજ સાથે મળી તા.૧૫ જુલાઇ ૨૦૧૯ના રોજ જરોદના તલાટી રૃબરૃ ખોટું પેઢીનામું તૈયાર કરી તેમાં મારું નામ દર્શાવ્યું ન હતું અને તે પેઢીનામું કોર્ટમાં રજૂ કરી વળતરની રકમ પોતાના નામે લઇ લીધી હતી.