વડોદરા લોકસભા બેઠકના બીજા ઉમેદવારનો વિરોધ : ડેમેજ કંટ્રોલ કરવા સી.આર.પાટીલ મેદાનમાં
વડોદરા,તા.27 માર્ચ 2024,બુધવાર
ગુજરાત લોકસભાની વિવિધ બેઠકો પૈકી ઉમેદવારની પસંદગીમાં ભાજપ વડોદરા અને સાબરકાંઠામાં થાપ થઈ ગયું હોય તેવી અનુભૂતિ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ત્યારે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગામી દિવસોથી તમામ લોકસભા બેઠક વિસ્તારમાં ઉમેદવારને લઈને ફરશે જેમાં ખાસ કરીને વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારનો યોગ્ય પ્રચાર થાય તે માટેનું ધ્યાન અત્યારથી કેન્દ્રિત કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
ભારતીય જનતા પાર્ટીમાં કદાપી ન થઇ હોય તેવી ઘટના છેલ્લા થોડા દિવસોમાં જોવા મળી રહી છે. ભાજપે પસંદ કરેલા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ થતાં તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ભાજપે પોતાના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોશીના નામની જાહેરાત કરી હતી. ત્યારે ડો.હેમાંગ જોશીનું નામ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ માટે હજુ પણ આશ્ચર્યજનક છે! ભલે ડો.હેમાંગ જોશી યુવાન, સ્વચ્છ પ્રતિભાવાળા છે પરંતુ તેમના નામની જાહેરાતથી પક્ષમાં રહેલા અને વર્ષોથી કામ કરતાં અનેક નેતાઓ અને કાર્યકરોની મનોકામના અધૂરી રહી ગઈ હોવાની અનેક ચર્ચાઓ છે. તાજેતરમાં હેમાંગ જોશીના નામ મામલે સાવલી વિધાનસભા મત વિસ્તારમાં એક વોટ્સએપ ગ્રુપમાં પણ ડો.હેમાંગ જોશીના નામના નિર્ણય અંગે અનેક આક્ષેપો થયા હતા. ત્યારે હવે વડોદરા બેઠક ભાજપ માટે આગામી દિવસોમાં વધુ મુશ્કેલી ઊભી કરે એવી શક્યતાને પગલે પાર્ટીનું ડેમેજ કંટ્રોલ કરવા ટોચના નેતાઓ સક્રિય થયા છે. જાણવા મળ્યા મુજબ, ગુજરાત લોકસભાની તમામ બેઠક પર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સીધે સીધી કમાન સોંપવામાં આવી હતી. ત્યારે જો આમાં કોઈ કચાસ રહે અથવા ભૂલ થાય તો આ માટે પણ સી.આર.પાટીલ જવાબદાર ગણાય! કેમ કે, જ્યારે લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા કરવાની હોય ત્યારે પાર્ટીના સંગઠને જ ઉમેદવારની યોગ્યતા અંગે તમામ વિગતો ઉપર સુધી પાઠવવાની હોય છે. ત્યારે હવે વડોદરા બેઠક માટે શાંત ન થઈ રહેલા વિવાદને લઈને પ્રદેશના ટોચના નેતાઓ સક્રિય થઈ ગયા છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ માટે આગામી દિવસોમાં ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ઉમેદવારને સાથે રાખીને ચૂંટણી પ્રચાર કરવાના છે. જેનો મોટેભાગે ચાલુ સપ્તાહમાં જ અમલ કરી દેવામાં આવી શકે છે. ખાસ કરીને ભાજપ વડોદરા બેઠક માટે હવે ખૂબ સતર્ક થઈ ગયું છે. કારણ કે, અહીં બીજો ઉમેદવાર મૂકવા છતાં પણ લોકો અને પક્ષના કાર્યકરોને આ નામ હજુ પસંદ આવી રહ્યું નથી! હવે ભાજપ માટે ઉમેદવાર બીજી વખત ઉમેદવાર બદલવો પણ શક્ય નથી પરંતુ જે રીતે બીજા ઉમેદવારનો પણ વિરોધ થઈ રહ્યો છે તે જોતા નાની ચિનગારી ભાજપ માટે એક મોટી આગ ફેલાવી દે એના પહેલા પક્ષના ટોચના નેતાઓ આગ ઓલવવા માટે સક્રિય થવા લાગ્યા છે અને તેઓનું વિશેષ ધ્યાન વડોદરા બેઠક પર કેન્દ્રિત થઈ ચૂક્યું છે.
- વડોદરામાં બનેલી ઘટનાને પગલે ડોશી મરે ને જપ પેસે એવી ભાજપની હાલત
- ભાજપ હવે વડોદરા બેઠક અંગેના નાનામાં નાના નિર્ણય ખૂબ ચકાસીને લેશે
હર હંમેશ શાંત રહેલ અને ભાજપની તરફેણમાં રહેલા વડોદરાના લોકો અને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓએ આ વખતે આચાર્યજનક રીતે ભાજપના ઉમેદવારનો વિરોધ શરૂ કર્યો છે. પહેલો અને બીજો બંને ઉમેદવાર યોગ્ય નથી તેવી અનેક નાગરિકોએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શરૂ કરી છે. ત્યારે હવે ભાજપ માટે પણ આ બાબત એક માથાના દુખાવા સમાન બની રહી છે. ભાજપ માટે હાલ વર્તમાન જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં ડોશી મરે ને જપ પેસે તેવો ઘાટ સર્જાઈ શકે તેવી ધારણા મનાઈ રહી છે. કારણ કે જે રીતે રંજનબેન ભટ્ટના નામનો વિરોધ શરૂ થયો અને ઉમેદવાર બદલવો પડ્યો ત્યારે હવે આગામી દિવસોમાં કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં પણ જો ઉમેદવાર પસંદ ન આવે તો પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ તેનો સખત વિરોધ કરે ત્યારે ફરીથી ઉમેદવાર બદલવાની નોબત આવે આ પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થાય તેવું અનુમાન સેવાય રહ્યું છે. ત્યારે ભાજપ હવે વડોદરા બેઠક માટે નાનામાં નાના નિર્ણય ખૂબ ચકાસીને લેવા પડે એ દિશામાં આગળ વધી રહ્યું છે.