ગુજરાતમાં અબોલ જીવની અનોખી સેવા, 2000 જેટલી ગાયોને પીરસાયો કેરીનો રસ
Vadodara: ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરીના રસની લોકોએ મઝા માણવાનુ શરુ કર્યુ હોય તો અબોલ જીવો કેમ પાછળ રહી જાય?...આવુ વિચારીને વડોદરાની સંસ્થાએ કરજણ ખાતેની પાંજરાપોળમાં 2000 જેટલી ગાયોને આજે કેરીના રસનુ ભોજન કરાવ્યુ હતુ.જેમાં 500 કિલો કેરીનો રસ વાપરવામાં આવ્યો હતો.
વડોદરાની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશનના સ્થાપક નીરવ ઠક્કરનુ કહેવુ છે કે, અમે છેલ્લા પંદર દિવસથી આ માટે તૈયારી કરી રહ્યા હતા. ગાયોને કેરીનો રસ ખવડાવવા માટે અમે ફ્રોઝનની જગ્યાએ તાજો કેરીનો રસ કઢાવવા માટે આયોજન કર્યુ હતુ. એ પછી સેંકડો કારબા ટેમ્પમાં ભરીને 500 કિલો કેરીનો રસ કરજણની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગાયોને ખવડાવવા માટે એક મોટી કયારી બનાવવામાં આવી છે. જેને મેં તેમજ મારી સંસ્થાના કાર્યકરોએ પહેલા સાફ કરી હતી અને એ પછી તેમાં કેરીનો રસ ઠાલવ્યો હતો.
નીરવ કહે છે કે, સેંકડો ગાયોને એક સાથે કેરીનો રસ ખાતી જોવાનુ દ્રશ્ય આંખ ઠારે તેવુ હતુ. ગાયોને તબક્કાવાર થોડી થોડી સંખ્યામાં રસ ખાવા માટે છોડવામાં આવે તે પ્રકારે આયોજન કરાયુ હતુ.કદાચ આટલા મોટા પાયે ગાયોને કેરીનો રસ ખવડાવવાનો કાર્યક્રમ અહીંયા પહેલી વખત યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન સંસ્થા ત્રણ વર્ષથી રસ્તા પર ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં રહેતા નિઃસહાય વૃધ્ધોને નિયમિત રીતે ભોજન પુરુ પાડવાનુ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં તેમણે સેંકડો લોકોની સેવા કરી છે.