વડોદરામા સાત સ્થળે કોવિશિલ્ડ રસી આપવાની શરૂઆત
- વડોદરાને રસીનો 4,500 ડોઝ મળ્યો
- હજી 6. 35 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી
વડોદરા,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને બે અર્બન હેલ્થ સેન્ટર તેમજ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ મળી કુલ સાત સ્થળે આજ સવારથી કોવિ શિલ્ડ રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.
કોર્પોરેશનના આરોગ્ય સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ વડોદરા કોર્પોરેશનના અટલાદરા, માજલપુર અને છાણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ સુદામા પૂરી અને સંવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સવારે 10 થી બપોરે 3 સુધી લોકો રસી લઈ શકશે. આ ઉપરાંત સરકારી સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે પણ રસી મળી શકશે .જે કોઈ રસી લીધા વગરના રહી ગયા છે તેઓને રસીનો ડોઝ લઈ લેવા તેમણે અનુરોધ કર્યો છે. આ પાંચ કેન્દ્ર ઉપર કોવી શિલ્ડ રસીનો 4 500 ડોઝ મળ્યો છે, અને હજી બીજો 500 ડોઝ મળે તેવી સંભાવના છે. તેમના કહેવા મુજબ કોરોના સમયકાળ દરમિયાન 105 ટકા લોકોએ પહેલો ડોઝ ,101% થી વધુ લોકોએ બીજો ડોઝ લીધો હતો .જ્યારે કોરોના ઓછો થઈ જતા બુસ્ટર ડોઝ લેવા પ્રત્યે લોકોએ નિષ્કાળજી દાખવી હતી, પરિણામે 61 ટકા લોકો જ બુસ્ટર ડોઝ શક્યા હતા. હજી 39% લોકો એટલે કે 6.35 લાખ લોકોએ બુસ્ટર રોજ લીધો નથી . કોરોના સામે લડવાનું રસી એકમાત્ર અમોધ શસ્ત્ર છે. રસી લઈને દરેકે સુરક્ષિત બનવું જોઈએ. નિશુલ્ક રસીકરણની કામગીરી જોવા આજે તેમણે માંજલપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની સવારે મુલાકાત પણ લીધી હતી.