માસીના દીકરાએ જ ફેક એકાઉન્ટ બનાવી પ્રિયાના નામે લગ્નની વાત કરી ભાઇ પાસે 2.83 લાખ પડાવ્યા
વડોદરાઃ અક્ષરચોક વિસ્તારમાં રહેતા એક યુવકને તેના માસીના દીકરાએ જ પ્રિયા તરીકે ફેક એકાઉન્ટ બનાવી લગ્નની લાલચમાં ફસાવી રૃ.૨.૮૩ લાખ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સાયબર સેલની તપાસમાં બહાર આવ્યો છે.
અક્ષરચોક ખાતે રહેતા નિકુંજ સોનીને ગઇ તા.૧૬મી સપ્ટેમ્બરે રાતે પ્રિયા નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને તેમાં તેણે કહ્યું હતું કે હું તારા માસીના દીકરા અનિકેત સોનીને ઓળખું છું.પ્રિયાના નામે ફ્રેન્ડશિપના નામે શરૃ થયેલી વાતો લગ્ન સુધી પહોંચી હતી અને તેમાં પ્રિયાએ મા-બાપને છોડીને ભાગી જવાની પણ વાત કરી હતી.
પ્રિયાના નામે વાત કરનાર ઠગે જુદાજુદા બહાના બતાવી રૃપિયા પડાવ્યા હતા.નિકુંજ સોનીએ રૃપિયા ખૂટી જતાં મિત્ર તેમજ સબંધી પાસે લઇ ચૂકવ્યા હતા.આ વખતે કઝીન અનિકેત સોનીની એન્ટ્રી થઇ હતી અને તેણે નિકુંજને કહ્યું હતું કે,તારું કોઇ પ્રિયા સાથે લફરું ચાલે છે.તેના પિતા પોલીસ ફરિયાદ કરવાના છે.જો સેટિંગ કરવું હોય તો રૃ.૫૦ હજાર આપવા પડશે.પરંતુ નિકુંજ પૈસા આપવા તૈયાર થયો નહતો અને સાયબર સેલમાં ફરિયાદ કરતાં પીઆઇ બીરેન પટેલ અને ટીમે તપાસ કરતાં અનિકેતનો ભાંડો ફૂટી ગયો હતો.પોલીસ તપાસમાં અનિકેત સામે દારૃ સહિત કુલ ચાર ગુના નોંધાયા હોવાની માહિતી બહાર આવી છે.