ભાજપના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ કરી તપાસ કરવા કોર્ટનો હુકમ
છેલ્લા સાડા ચાર વર્ષથી એક કરોડ ગુમાવનાર બિલ્ડર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો હતો
વડોદરા,ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ દ્વારા ગીરો મૂકેલી તથા અન્યને ભાડે આપેલી મિલકતનો સોદો કરી એક કરોડ પડાવી લેવાના આક્ષેપ અંગે કોર્ટ દ્વારા પોલીસને એફ.આઇ.આર. દાખલ કરી તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
એ.પી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદાર પ્રાણનાથ એસ.શેટ્ટી ( રહે. ગજાનંદ સોસાયટી, માંજલપુર નાકા) એ ગત તા.૧૪ - ૧૦ - ૨૦૧૯ ના રોજ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર કલ્પેશ મનુભાઇ પટેલે મને કહ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં આવેલી વૈષ્ણોદેવી સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તેમજ બીજો અને ત્રીજો માળ વેચવાના છે. અમે દોઢ કરોડમાં તે મિલકત વેચાણ રાખવાનું નક્કી કર્યુ હતું. તે પૈકી એક કરોડ રૃપિયા કલ્પેશ પટેલને ચૂકવ્યા હતા. પરંતુ, અગાઉથી જ આ મિલકત બેન્કમાં ગીરો મૂકેલી હતી , અન્યને ભાડે આપી હતી. જેથી, આ મિલકત ચોખ્ખી નહતી. તેમછતાંય અમારી પાસેથી એક કરોડ પડાવી લીધા હતા. આ ઉપરાંત રિવોલ્વર બતાવી ગર્ભિત ધમકીઓ આપે છે. આ કેસની તપાસ નિષ્પક્ષ નહીં થતા પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાંય માંજલપુર પી.આઇ. દ્વારા ગમે તે રીતે પતાવટ કરી દ, તેવું જણાવવામાં આવતા હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાતાં ે હાઇકોર્ટે યોગ્ય તપાસ કરવાનો હુકમ કર્યો હતો.
તેમ છતાંય માંજલપુર પોલીસે અમારી ફરિયાદની કોઇ તપાસ કરી નહતી અને તે સમયના પી.એસ.આઇ.ડી.એન. ચૌધરીએ સિવિલ કોર્ટમાં દાવો ચાલતો હોવાનું જણાવી અરજી દફતરે કરવા અરજી કરતા પી.આઇ. બી.જી. ચેતરિયાએ અરજી ફાઇલ કરી દીધી હતી. છેવટે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ ઇન્કવાયરીનો હુકમ થયો હતો.જેની સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી જણાવવામાં આવ્યું હતું કે, સી.આર.પી.સી. ૧૫૬ (૩) અન્વયે કરેલી અરજીને ધ્યાને લેવામાં આવી નથી.અમારી કોગ્નીઝબલ ગુનો જાહેર કરતી ફરિયાદ સંદર્ભે કોઇ વિગતવાર તટસ્થ તપાસ કરવામાં આવી નથી. સેશન્સ કોર્ટે પોલીસને સીઆરપીસી ૧૫૬ (૩) મુજબ ફરિયાદ અંગે તપાસ કરવાનો હુકમ કર્યો છે.