સ્ટાર નાઈટના બહાને રૂ.નવ કરોડની ઠગાઈ કરનાર વડોદરાના ઠગના જામીન નામંજૂર કરતી કોર્ટ
વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડી, વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન નામંજૂર કરવાનો અદાલતે હુકમ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, જે વખતે પ્રથમ દર્શનીય કેસ બને છે કે કેમ? તે ધ્યાને લેવાનું હોય છે. આરોપી સામે સખત પ્રથમ દર્શનીય કેસ છે. આરોપી ઘણા મોટા ગુનામાં સંડોવાયેલ છે. જામીનમુક્ત થયા બાદ એક પણ દિવસ તેઓ કોર્ટમાં હાજર થયા નથી. જેથી તેમના જામીન રિજેક્ટ કરવા જોઈએ. 16 માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૈમીન અશોકભાઈ પટેલએ નોંધ્યું હતું કે, આરોપી વિવેક અરવિંદ ઉર્ફે વિરાજ ત્રિવેદીએ જામીનમુક્ત થયા બાદ નામદાર કોર્ટની શરતોનું પાલન ન કરી હુકમનું ઉલ્લંઘન કર્યું છે. આરોપીએ પોતાનું સરનામું પણ ખોટું જાહેર કર્યું છે. ગુજરાત રાજ્ય બહાર પરવાનગી સિવાય ન જવા આદેશ હોવા છતાં સરત ભંગ કરી રાજ્યની બહાર ગયા છે. અને ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે જઈ કરોડો રૂપિયાની ઉચાપત આચરી છે. આરોપીને લખનઉ સેન્ટ્રલ જેલમાંથી નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આરોપીએ જામીનદાર પણ બોગસ રજૂ કર્યો છે. આરોપી સામે ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયેલા હોય ગુનાહિત માનસિકતા ધરાવે છે. જો હાલના તબક્કે જામીનમુક્ત કરવામાં આવે તો આરોપી નાસી છૂટવાની પૂરેપૂરી શક્યતા છે. વર્ષ 2018 માં આરોપીને જામીનમુક્ત કર્યા બાદ આજ દિન સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી અને તેમના જામીનદારને પણ નોટિસની બજવણી થતી નથી. આમ આરોપીની વર્ણતુક સૂચવે છે કે આરોપી જામીનમુક્ત થવા માટે આપેલી બાહેધરીનો સ્પષ્ટ ગેરલાભ લીધો છે. અને કોર્ટ સમક્ષ હાજર ન થઈ નાસતા ફરે છે.