સહારા ક્રેડિટ સો.ના ૨૦૪૨૪ રોકાણકારો વતી વળતર મેળવવા કોર્ટમાં કેસ

સહારા ક્રેડિટ સો.માં રૃા.૨૨૮.૨૯ કરોડ રોકાણકારોએ ગુમાવ્યા છે ઃ એસડીએમ દ્વારા સોગંદનામું પણ રજૂ કરાયું

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
સહારા ક્રેડિટ સો.ના ૨૦૪૨૪ રોકાણકારો વતી વળતર મેળવવા કોર્ટમાં કેસ 1 - image

વડોદરા, તા.9 ગરીબ અને મધ્યમવર્ગના રોકાણકારોની બચતના કરોડો રૃપિયા વિવિધ યોજનાઓના નામે ઉઘરાવ્યા બાદ સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.એ હાથ અધ્ધર કરી દેતાં વર્ષોથી આ રોકાણકારોને પોતાની મહામુલી બચત પાકતી મુદતે પરત નહી મળ્યા બાદ રોકાણકારોએ કરેલા દાવા મુજબ જિલ્લા કોર્ટમાં રોકાણકારોની યાદીને રૃપિયા મળે તે માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જીપીઆઇડી એક્ટ મુજબ કાર્યવાહીના બે વર્ષ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.ની વડોદરામાં ચાર સ્થળે આવેલી બ્રાંચોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ ગરીબ તેમજ મધ્યમવર્ગના રોકાણકારોને ઊંચા વળતરના સ્વપ્ના બતાવી પોતાની સ્કીમોમાં રોકાણ કરાવડાવ્યું હતું. પાકતી મુદતે જ્યારે સહારા દ્વારા નાણાં આપવાનો સમય આવ્યો ત્યારે બ્રાંચના હોશિયાર કર્મચારીઓએ રોકાણકારોને પોતાની વાતોમાં ભેળવી બીજી સ્કીમમાં રોકાણ કરાવડાવ્યું  હતું. અને પછી આ નાણાં કદી પાછા ન મળતા રોકાણકારોએ મહામુલી બચત ગુમાવવી પડી હતી.

સહારાની વિવિધ સ્કીમોમાં રોકાણ કરી પૈસા ગુમાવવા અંગે સહારાના રોકાણકારોની લડતના અંતે શહેર પોલીસ દ્વારા સ્ટાર્સ મલ્ટીપરપઝ કો.ઓ.સો.લી., સહારા ક્રેડિટ કો.ઓ.સો.લી. અને સહારા ક્યૂ શોપ યુનિક પ્રોડક્ટ રેન્જ લી.ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે વર્ષ-૨૦૨૨માં ગુનો દાખલ કરવામાં આવ્યો  હતો. રોકાણકારોને ઠગતી કંપનીઓ સામે પગલાં લેવા માટે બનાવવામાં આવેલા જીપીઆઇડી એક્ટ કાયદા મુજબ  વડોદરાના નાયબ કલેક્ટરને કોમ્પિટન્ટ ઓથોરિટિ તરીકે કામગીરી સોંપવામાં આવી છે. વર્ષ-૨૦૨૨ના ઓગસ્ટ માસથી સહારાના રોકાણકારો પાસેથી કલેમ ફોર્મ સહિતના દસ્તાવેજો મંગાવવામાં આવતા ૨૦,૪૨૪ લોકોએ સહારામાં કુલ રૃા.૨૨૮.૨૯ કરોડ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતુ.

દરમિયાન શહેર એસડીએમ દ્વારા સહારાના રોકાણકારોને પોતાની મૂડી પરત મળે તે માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ ૨૨ને આરોપી તરીકે દર્શાવાયા છે. સહારાનો કેસ દાખલ થયા બાદ હવે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં સહારાની વડોદરા ઉપરાંત જામનગર ખાતેની કુલ આઠ મિલકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મિલકતો સરકાર દ્વારા ટાંચમાં લેવામાં આવી છે. એસડીએમ દ્વારા કોર્ટમાં સોંગદનામું પણ રજૂ કરાયું છે. કોર્ટ મંજૂરી આપશે તો સહારાની મિલકતોની  હરાજી કરીને રોકાણકારોને વળતરની ચૂકવણી કરવામાં આવશે.

ll

(બોક્સ)

દોઢ લાખ જેટલા રોકાણકારોના વર્ષોથી ફસાયેલા રૃા.૪૨૪.૪૦ કરોડ

કંપની રોકાણકારોની સંખ્યા રકમ

એચવીએન રિયાલ્ટી એન્ડ એન્ટરપ્રાઇઝ ૫૨૪૧૫ ૧૯૫.૮૪ કરોડ

હલધર રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઇઝ ૨૨૨૦૬ ૪૦.૧૧ કરોડ

હલધર વિકાસ ક્રેડિટ કો.ઓ.સો.લી. ૨૧૫૨૬ ૪૨.૨૭ કરોડ

મૈત્રય પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર પ્રા.લી. ૧૬૩૯૩ ૧૩૦.૨૦ કરોડ

મૈત્રી સુવર્ણ સિધ્ધી પ્રા.લી. ૮૧૧૬ ૧૦.૩૨ કરોડ

મૈત્રી રિયલ્ટર એન્ડ કન્સ્ટ્રક્શન પ્રા.લી. ૮૩૩ ૧.૭૦ કરોડ

મૈત્રય સર્વિસ પ્રા.લી. ૭૬૪ ૧.૪૯ કરોડ

એસએનસી મલ્ટી ટ્રેડ એન્ડ સર્વિસ પ્રા.લી. ૩૧૫ ૧.૯૮ કરોડ

એસએનસી મલ્ટી ટ્રેડ એન્ડ સર્વિસ પ્રા.લી. ૧૩૩ ૪૪.૯૯ લાખ

એચબીએન ડાઇરીસ એન્ડ અલાઇડ લી. ૧૬ ૯૫ હજાર

એચબીએન ફૂડ પ્રા.લી. ૧૭  હજાર

કુલ ૧૨૨૭૨૨ ૪૨૪.૪૦ કરોડ

હલધર અને એસએનસીનો કેસ છોટાઉદેપુર અને હલધનનો કેસ ગોધરા દાખલ કરાયો

ઠગ કંપનીઓ સામે કોમ્પિટન્ટ ઓથોરિટિ તરીકે શહેર એસડીએમને જવાબદારી સોંપવામાં આવી હતી જેથી અગાઉ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ કેસ દાખલ કરવામાં આવતા હતા પરંતુ થોડા સમય પહેલાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવે જે-તે જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરાયા છે પરંતુ કોમ્પિટન્ટ ઓથોરિટિ શહેર એસડીએમ જ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સહારાનો કેસ વડોદરાની કોર્ટમાં દાખલ થયો છે પરંતુ એ.એસએનસી મલ્ટીટ્રેડ એન્ડ પ્રા.લી.નો કેટ છોટાઉદેપુરની કોર્ટમાં જ્યારે હલધરના બે કેસો પણ છોટાઉદેપુરની કોર્ટમાં અને હલધનનો કેસ ગોધરાની કોર્ટમાં દાખલ કરાયો છે.

એચવીએનના રોકાણકારોનો કેસ કોર્ટે કાઢી નાંખ્યો, હવે અપીલ કરાશે

એચવીએન રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઇઝમાં રોકાણ કર્યા બાદ કરોડો રૃપિયાની છેતરપિંડી થઇ હતી. આ કેસમાં એસડીએમ દ્વારા દાવા મંગાવવામાં આવતા કુલ ૫૨૪૧૫ રોકાણકારોએ રૃા.૧૯૫.૮૪ કરોડના દાવા રજૂ કર્યા હતાં. બાદમાં શહેર એસડીએમ દ્વારા જિલ્લા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો  હતો જો કે કોર્ટે આ કેસ કાઢી નાંખતા હજારો રોકાણકારો નારાજ થયા હતાં. હવે એસડીએમ દ્વારા અપીલ કરવા માટે ગૃહવિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી છે.


Google NewsGoogle News