દવાના પાર્સલમાં દારૃની કુરિયર સર્વિસ,એક પકડાયો
વડોદરાઃ વડોદરામાં ફરી એક વાર દારૃની હેરાફેરી માટે કુરિયર સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે.પોલીસે દવાના પાંચ પાર્સલમાંથી રૃ.૭૦ હજારની કિંમતની દારૃની ૧૯૯ બોટલ કબજે કરી ડિલિવરી લેવા આવેલા શખ્સને ઝડપી પાડયો છે.
વડોદરા પાસેના હાઇવે પર ઇન્દુ ફાયર સેફ્ટી પાછળ આવેલી કુરિયર કંપનીમાં દારૃના પાર્સલ આવનાર હોવાની માહિતીને પગલે પોલીસે વોચ રાખી હતી.જે દરમિયાન દવાના પાંચ બોક્સ તપાસતાં તેમાંથી દારૃની બોટલો મળી હતી.
પોલીસે તપાસ કરતાં પાર્સલની ડિલિવરી લોકેશન મોકલે ત્યાં આપવાની હોવાનું કહેવાયું હતું.જેથી ડિલિવરી લઇ જનાર સાથે પોલીસ બેસી ગઇ હતી અને કરોડીયારોડ લક્ષ્મીનગર વિસ્તારમાં ડિલિવરી લેવા આવેલા બંટી ઘનશ્યામ યાદવ(રમેશ નગર,જવાહરનગર મૂળ યુપી)ને ઝડપી પાડયો હતો.પૂછપરછ દરમિયાન આ પાર્સલ કલીમ ઉર્ફે ખાલીદ શેખે મંગાવ્યું હતું અને તેણે ડિલિવરી લેવા માટે કહ્યું હોવાથી પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે.જ્યારે દારૃ મોકલનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.