ગાંધીનગર લોકસભા બેઠકની મત ગણતરી સે-15 કોમર્સ કોલેજમાં

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
ગાંધીનગર લોકસભા બેઠકની મત ગણતરી સે-15 કોમર્સ કોલેજમાં 1 - image


ચૂંટણી અધિકારીએ સ્ટ્રોંગરૃમ, મતગણતરી સેન્ટરની મુલાકાત લીધી

મતદાન બાદ ઇવીએમ અલગ-અલગ સ્ટ્રોંગરૃમમાં રખાશે : વીજળીફાયરસુરક્ષાની સમીક્ષા કરાઇ

ગાંધીનગર :  લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના મતદાનની ઘડીઓ નજીક આવી રહી છે. ત્યારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૃમની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેએ લીધી હતી. તેમણે મત ગણતરી સેન્ટર ખાતે એઆરઓ સહિત સંબંધિત અધિકારીઓ સાથે સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક કરી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૭મી મેના રોજ યોજાનાર છે. મતદાન સવારના સાત કલાકથી સાંજના છ સુધી યોજાનાર છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ ઇ.વી.એમ. મશીન સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૃમ સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરના સેકટર- ૧૫ની સરકારી કોર્મસ કોલેજ ખાતે આવેલા સાત વિધાનસભા મતદાર વિભાગના સ્ટ્રોંગ રૃમની મુલાકાત જિલ્લા કલેકટર મેહુલ દવેએ લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે તમામ વિધાનસભા મતદાર વિભાગના સ્ટ્રોંગ રૃમ અને મત ગણતરી સ્થળનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. જયાં જરૃર જણાય ત્યાં યોગ્ય સૂચન અને માર્ગદર્શન પણ તેમની કક્ષાથી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્ટ્રોગ રૃમ ખાતેની વિવિધ સુવિધા જેવી કે પોલીસ જવાનનો રાઉન્ડ ધ કલોક લોખંડી પહેરો, લાઇટ, પાણી જેવી સુવિધાની પણ ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત મતગણતરીના દિવસની બેઠક વ્યવસ્થા સંદર્ભે સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.તેની સાથે બિલ્ડીંગની ફાયર સેફટીની વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ કોટડિયા સહિત સાતેય વિધાનસભાના એઆરઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


Google NewsGoogle News