Get The App

વડોદરા લોકસભા બેઠકની 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં થશે મતગણતરી : 750 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

Updated: May 30th, 2024


Google NewsGoogle News
વડોદરા લોકસભા બેઠકની 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં થશે મતગણતરી : 750 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત 1 - image


Lok Sabha Election Counting Day : રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ આજે સવારે અહીંની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. આગામી તા.4 જૂનના રોજ મત ગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી હતી. 

પી.ભારતી સીધા પોલીટેનિક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મત ગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં ખંડોની મુલાકાત લીધી હતી. મત ગણતરી એજન્ટ, ગણતરીદારો, ઇવીએમના મૂવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી. ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. 

ઉલ્લેખનિય છે કે એક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ 14 ટેબલ ગોઠવાયા છે. 19 રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં 27 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 120 જેટલા કર્મીઓ ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રીયામાં 620થી વધુ કર્મયોગીઓ જોડાશે. 

મત ગણનાના દિવસે પોલિટેનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહેશે. જેથી આ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય. આ ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત લીધી હતી. 

મતગણના કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ સ્તરમાં ગણતરી કેન્દ્રની બહાર તરફ, બીજુ સ્તર કેન્દ્રના મુખ્ય ઇમારતની બહાર અને ત્રીજુ સ્તર કેન્દ્ર મત ગણના કેન્દ્રની અંદર. જ્યાં સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરવામાં આવી છે. મત ગણતરીના દિવસે બહારના માર્ગનો ટ્રાફિક પરિવર્તિત કરવામાં આવ્યો છે. ટ્રાફિક સહિત 750 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


Google NewsGoogle News