Get The App

ગાંધીનગર લોકસભા બેઠકની આજે મતગણતરી

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
ગાંધીનગર લોકસભા બેઠકની આજે મતગણતરી 1 - image


૨૭ દિવસથી ઇવીએમમાં ધરબાયેલો મતદારોનો મિજાજ બહાર આવશે : સેક્ટર ૧૫ સરકારી કોલેજમાં

કેન્દ્રીય ગૃહ મંત્રી સહિત ૧૪ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો : ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારના ૨૭ તથા વેજલપુરના ૨૪ રાઉન્ડ સાણંદમાં ૨૨ જ્યારે ગાંધીનગર ઉત્તરની ગણતરી ૧૮ રાઉન્ડમાં  મતગણતરી થશે

ગાંધીનગર :  હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર ભાજપ તરફથી દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ લડી રહ્યા છે ત્યારે સૌ કોઈની નજર આ બેઠકના પરિણામો ઉપર લાગેલી છે. મંગળવારે ગાંધીનગરના સેક્ટર ૧૫ માં આવેલી સરકારી કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે. અહીં ગાંધીનગર બેઠકમાં આવતા તમામ સાતેય વિધાનસભા વિસ્તારના ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. સાથે સાથે પોસ્ટલ બેલેટ દ્વારા મળેલા મતોની પણ ગણતરી અહીં કરાશે.

લોકસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કામાં ગુજરાતની સાથે ગાંધીનગરની બેઠક ઉપર પણ ચૂંટણી યોજાઈ હતી જે અંતર્ગત તા. ૭મી મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર સરેરાશ ૫૯ ટડા જેટલું મતદાન થયું હતું. એટલે કે ૧૩,૨૩,૮૫૬ મતદારોએ મતદાન કર્યું હતું જે અંતર્ગત ૭.૦૬ લાખ જેટલા પુરુષ મતદારો જ્યારે ૫.૯૯ લાખ જેટલી મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાનો મત ઇવીએમમાં સીલ કર્યા હતા.આવતીકાલે આવતીકાલે મતોની ગણતરી છે ત્યારે ગાંધીનગરની બેઠક ઉપર ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા તથા સાબરમતી વિધાનસભા વિસ્તાર દીઠ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર લોકસભા બેઠકની ચૂંટણીના તમામ ઇવીએમ સેક્ટર ૧૫ સરકારી કોલેજના સ્ટ્રોંગ રૃમમાં સલામત રીતે રાખવામાં આવ્યા છે. આવતીકાલે મત ગણતરી છે ત્યારે સવારે ૬ વાગે આ સ્ટ્રોંગ રૃમ ખોલવામાં આવશે અને આઠ વાગ્યાથી ઇવીએમ ખોલીને  મતગણતરીની પ્રક્રિયા શરૃ કરવામાં આવશે.

ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૨૭ રાઉન્ડમાં મત ગણતરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે વેજલપુર માટે ૨૪ રાઉન્ડ હાથ ધરાશે. સાણંદ વિધાનસભા વિસ્તારની મત ગણતરી માટે ૨૨ રાઉન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ઉત્તરની બેઠક માટે ૧૮ તથા કલોલ,નારણપુરા અને સાબરમતી વિસ્તારની ગણતરી ૧૭ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે.

આમ ગાંધીનગર લોકસભા બેઠક માટે કુલ ૧૪૨ રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.ઉલ્લેખનીય છે કે,દરેક વિધાનસભા વિસ્તારની ગણતરી અલગ અલગ કરવામાં આવશે અને દરેક વિસ્તારમાં મત ગણતરી માટે ૧૪ ટેબલો રાખવામાં આવ્યા છે.

હાઈ પ્રોફાઈલ ગણાતી ગાંધીનગર બેઠક ઉપર ભાજપના અમિત શાહ મેદાને છે જેના કારણે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકારણીઓની નજર આ બેઠકના પરિણામ ઉપર છે. શરૃઆતમાં તો સ્થાનિક કાર્યકરો અને નેતાઓ અમિત શાહને વિક્રમ લીડ અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા  તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ આ બેઠક ઉપર ખાતું ખોલવાનો વિશ્વાસ કરવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસને પોતાની જીતના દાવા ઉપર જ વિશ્વાસ નથી તે કાર્યકરોના મૂડ અને કાર્યાલયની દશા જોઈને લાગી રહ્યું છે. લોકસભાની આ મત ગણતરીમાં કોઈ એક બાજુ જ પલડું ભારે રહેશે અને પરિણામ જે આવે તે પણ ગણતરી નિરશ રહેશે.

૧૮ હજારથી વધુ પોસ્ટલ બેલેટ મતો માટે ૩૯ ટેબલ પર ગણતરી

ગાંધીનગર લોકસભા બેઠક માટે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓ અને પોલીસ સ્ટાફની પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વખતે આ પોસ્ટલ બેલેટના ત્રણ એક્સચેન્જ મેળા કરીને જે તે સંસદીય વિસ્તારમાં મતદાન કરેલા પોસ્ટલ બેલેટ પહોંચાડવામાં આવ્યા છે જેની ગણતરી પણ આવતીકાલે ઇવીએમના મતોની સાથે જ કરવામાં આવશે.  ગાંધીનગર લોકસભા બેઠક માટે ૧૮,૬૯૧ જેટલા પોસ્ટલ બેલેટથી મતો ચૂંટણી તંત્રને મળ્યા છે ત્યારે આ મતોની ગણતરી ૩૯ ટેબલ ઉપર ૩૯ એઆરઓ દ્વારા હાથ ધરવામાં આવશે.દરેક ટેબલ ઉપર નિમેલા એક એઆરઓ ઉપરાંત કાઉન્ટિંગ સુપરવાઇઝર,બે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા એક માઈક્રો ઓબ્ઝર્વર હાજર રહેશે એટલું જ નહીં,આ સમગ્ર ગણતરીની પ્રક્રિયા સીસીટીવી હેઠળ અને ઓબ્ઝર્વરની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.


Google NewsGoogle News