મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ કરવાના કેસમાં પકડાયેલા યુવકની વળતી ફરિયાદ
મહિલાને આંકડાનો ધંધો કેમ કરવા દેતા નથી ? તેવું કહીને મારી નાંખવાની ધમકી આપી
મહિલાને નિર્વસ્ત્ર વીડિયો વાયરલ કરવાના, ખંડણી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા આરોપીએ થોડા દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગઇકાલે રાતે તે યુવકે ફરિયાદી સામે વળતી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.
મકરપુરા શિવમ પેરેડાઇઝ હવેલી ચાર રસ્તા પાસે રહેતા અક્ષય અશોકભાઇ સોલંકીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૫મી નવેમ્બરે બપોરે સાડા બાર વાગ્યે હું મારા જાંબુવા વુડાના મકાનની નીચે મારા મિત્રો પ્રશાંત પરમાર તથા રવિ મહીડા સાથે હાજર હતો. તે સમયે આશિષ હર્ષદભાઇ બારોટે મારી સાથે આંકડાનો ધંધો કરતી મહિલાને તું ધંધો કેમ કરવા દેતો નથી ? તેવું કહીને ઝઘડો કર્યો હતો. તેને મને લાફા ઝીંકી દઇ જાનથી મારી નાંખવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
ત્યારબાદ તા.૭મીએ સાંજે સાડા સાત વાગ્યે મકરપુરા જશોદા કોલોનીની બહારના ભાગે મને પ્રિયાંક રોહિતે રોકીને જણાવ્યું હતું કે,તું મહિલાને ધંધો કરવા દે. તને શું વાંધો છે ? હું પ્રેસમાં છું. તને ફસાવવામાં વાર નહીં લાગે.
તા.૨૪મી એ મહિલા તથા અલ્તાફ મારા ઘર નીચે આવ્યા હતા. તેઓએ મને ગાળો બોલી ખોટા કેસમાં ફસાવી દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અક્ષય સોલંકીને વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પકડવાનો છે. તેમછતાંય તેણે ગઇકાલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી હતી.
મોબાઇલ લોકેશન અને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા માંગણી
વડોદરા,વળતી ફરિયાદ અંગે અગાઉ ફરિયાદ નોંધાવનાર વિઝા કન્સલ્ટન્ટ આશિષ બારોટે જણાવ્યું છે કે, અમે અગાઉ પણ કહ્યું હતું કે, અક્ષય અમને ખોટા કેસમાં ફસાવી દેશે. અને એવું જ થયું છે. અમે પોલીસને રજૂઆત કરી છે કે, જે તારીખના આક્ષેપો થયા છે. તે તારીખના અમારા તમામના મોબાઇલ લોકેશન ચેક કરો. અને કથિત બનાવના સ્થળની આજુબાજુ ફિટ કરેલા સીસીટીવી કેમેરા ચેક કરો. જો અમે કસુરવાર હોઇએ તો અમને પૂરી દેજો.