ખોડિયાર નગર નજીક થયેલી મારામારીમાં વળતી ફરિયાદ
મહિલા સહિત ચાર લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,બે વાહન ચાલકો વચ્ચે થયેલો ઝઘડો જોવા માટે ઉભા રહેલા યુવક પર અન્ય આરોપીઓએ ચાકૂથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે વારસિયા પોલીસે વળતી ફરિયાદ નોંધાઇ છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ ખોડિયાર નગર પાસે જય સંતોષી નગરમાં રહેતો સુનિલ કાંતિભાઇ મારવાડીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં નિતીન રાજપૂત, નાનુ અને પ્રતિક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગઇકાલે પ્રતિક રાકેશભાઇ પટેલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૪મી એ સાંજે સાત વાગ્યે મારા મિત્રો હશુ અને મિતેશ માછી દ્વારકા જતા હોવાથી હું અને મારો મિત્ર દિવ્યાંગ તેઓને મળવા મોપેડ લઇને જતા હતા. ખોડિયાર નગર ચાર રસ્તાથી થોડે આગળ અકસ્માત થયો હોવાથી ટોળું ભેગું થયું હતું. તે દરમિયાન અમારૃં મોપેડ ટોળામાં ઉભેલા એક વ્યક્તિને અડી જતા તે વ્યક્તિ મારી સાથે મારામારી કરવા લાગ્યો હતો. મારા પર હુમલો કરનારને તેની સાથે આવેલા લોકો સુનિલ મારવાડી, નેહાલ મારવાડી, કિશન વાઘેલા તથા મીનાબેનના નામથી બોલાવતા હતા. તેઓએ મને ડંડા વડે માર માર્યો હતો.