એમ.એસ.યુનિ.ની હેડ ઓફિસ ખાતે મલ્ટી સ્પેશ્યિાલિટી કાઉન્સિલિંગ સેન્ટર શરુ કરાયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે મલ્ટી સ્પેશ્યિયાલિટી કાઉન્સિલિંગ સેન્ટરનો આજે મેન્ટલ હેલ્થ ડે દિવસ નિમિત્તે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પ્રારંભ થયો હતો.
યુનિવર્સિટીમાં ભણતા ૪૦૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ આ સેન્ટરનો લાભ લઈ શકશે. યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના હેડ પ્રો.સોમપુરાએ કહ્યું હતું કે, સાયકોલોજી વિભાગમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે કાઉન્સિલિંગની સુવિધા છે પણ હેડ ઓફિસ ખાતે શરુ કરાયેલા સેન્ટરમાં હોમસાયન્સ ફેકલ્ટી, મેડિસિન ફેકલ્ટી, સોશિયલ વર્ક ફેકલ્ટી અને યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની મદદથી વિદ્યાર્થીને ડાયેટ અને ન્યૂટ્રિશન કાઉન્સિલિંગ, જરુર પડે તો સાઈકિયાટ્રિસ્ટનું કાઉન્સિંલિંગ, પરિવારને લગતા પ્રશ્નો માટેનું પણ કાઉન્સિલંગ પૂરુ પાડવામાં આવશે.સેન્ટર મંગળવારથી શુક્રવાર બપોરે ૩ થી ૫ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે.જ્યાં સાયકોલોજી વિભાગના ચાર વિદ્યાર્થીઓ તેમના માટે ઉપલબ્ધ હશે.આ વિદ્યાર્થીઓ જરુર પડે તે રીતે કાઉન્સિલિંગ માટે આવેલા વિદ્યાર્થીઓને મદદ કરશે. હેડ ઓફિસ પર વિદ્યાર્થીઓ માટેનુ સુવિધા કેન્દ્ર કાર્યરત છે.જ્યાં રોજ વિદ્યાર્થીઓ કોઈને કોઈ કામ માટે આવતા હોય છે.તે બાબતને ધ્યાનમાં રાખીને હેડ ઓફિસ ખાતે સેન્ટર શરુ કરાયું છે.
દરમિયાન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે આજે આ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓેનુ માનસિક સ્વાસ્થ્ય ઘણું મહત્વનું છે.તેને ધ્યાનમાં રાખીને આ સેન્ટર શરુ કરાયું છે.